જેવી રીતે આપણા માતા પિતા સાથે નો આપણો સંબંધ આપણે જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ બદલાતો હોય છે તેવું જ કૈક આપણો, બિન રહેવાસી ભારતીયોનો, આપણી માતૃભૂમિ સાથેના સંબંધનું હોય છે. માતા પિતા માટે નાનપણ માં બસ અનહદ પ્યાર, લાગણી અને આદર અને એ જ આપણી દુનિયા. ધીરે ધીરે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ જરા દ્રષ્ટિ બદલાય. માતા પિતામાં થોડી ઉણપો દેખાય. પછી જરા ઊંચા દરજ્જા પામતા થઈએ તેમ તેમ તેમને નવી નજરે જોતા થઈએ. થોડી વધારે ખોડ ખાપણ, ટીકા અને સુચન ઉમેરાય. પણ ત્યાર પછી એક ઉંમર એવી આવે કે એમનું ડાહપણ, એમનો પ્રેમ, એમણે કરેલો ત્યાગ એ બધું સમજાય.અને એમનું સાચું મૂલ્યાંકન થાય.
કંઈક તેવી જ રીતે બિન રહેવાસીઓ પણ જયારે સૌ પ્રથમ દેશ છોડે ત્યારે દેશપ્રેમ દિલ માં ભરપુર હોય. અમેરિકાનું બધું ખટકે। પછી ધીરે ધીરે જેમ જેમ નવા દેશનો સહેવાસ વધે તેમ તેમ માતૃભૂમિ માટે ટીકા ટિપ્પણ અને સલાહ નો મારો ચલાવે. થોડા વર્ષો પછી પાછું જયારે જીવન ચક્ર બદલાય અને જયારે પચાસી વટાવીને આ બધું જુદી નજરે નિહાળે ત્યારે પાછુ ભારત નું ઘણું સારું લાગવા માડે. તેની સંસ્કૃતિમાં રહેલું ડહાપણ સમજાય।
બસ આવુજ કૈક મારું પણ થયું.
ચાલીસ વર્ષ પહેલા જયારે ભારત છોડ્યું ત્યારેતો બસ એકલો પ્રેમ નીતરતો સંબંધ. પછી જેમ જેમ પરદેશ કોઠે પડતું ગયું તેમ ધીરે ધીરે થોડી ટીકા ટિપ્પણ ભળી. લાગણીઓનું અંતર થોડું વધ્યું, ટેવો થોડી બદલાઈ, શરીર થોડું વિકસ્યું, પણ તોયે અખૂટ પ્રેમ નું ખેચાણ તો ખરુજ. કદાચ આને જ અર્ધદગ્ધ સ્થિતિ કહેવાતી હશે. ત્યાર પછી જેમ ઉમર વધી, બાળકો ઉછર્યા અને પોતાના વ્યવસાયમાં લાગ્યા તેમ પાછું માતૃભૂમિનું લોહી જોર કરવા લાગ્યું. ફરી ફરી ને ત્યાં લાંબો સમય રહેવાની લાલસા જાગી.
.
એટલે જ અમારી આ વખતની ભારતની ટ્રીપ જરા જુદી હતી. છેલ્લા ચાલીસ વર્ષથી ભારત ની બહાર રહ્યા પછી આ વખતે પહેલી વાર ત્યાં ઘર કરવાના ઓરતા પુરા થવાના હતા. થોડીક આતુરતા, થોડીક ચિંતા, અને થોડીક અધીરાઈ બધું ભેગું. બદલાયેલા ભારતની નવી તસ્વીર જોવાની હતી. જોકે આમ તો અમે અવારનવાર નાની અને ટૂંકી ટ્રીપ કરતા હતા એટલે થોડો અણસાર તો હતો પણ એ બધી ટ્રીપ ટૂંકી કે જેમાં ઘરની મહેમાનગતિ માણીને બે અઠવાડિયા માં પરત. એટલે બધી ખબર અછડતી. પરદેશ માં રહેતા ભારતીય મિત્રો સાથે જે અવારનવાર વાતચીત માં ચિત્ર ઉપસતું તે પણ અડધું પડધું એટલે સ્વાનુભવની ઈચ્છા સાથે ત્રણ મહિના માટે ભારત જવાનું ગોઠવ્યું।
લગભગ પહેલા દિવસથી જ અમદાવાદ ચાલીસ વર્ષમાં કેટલું બદલાયું છે તે હર પળ સમજાતું હતું દેખાતું હતું. ક્યાં મારા બાળપણ નું અમદાવાદ કે જેમાં બહુમાળી મકાન ફક્ત સાત માળનું હતું, જ્યાં ચોસઠ મિલો ના ભૂંગળા વહેલી સવાર ની બાંગ પોકારતા. જ્યાં સાયકલ ઉપર ટીફીનના ડબ્બા લટકાવીને મિલ મજુરો ટીનટીન ઘંટડી વગાડતા જોવા મળતા.
મારા જાણીતા અમદાવાદમાં શહેરનો વિસ્તાર બાર દરવાજાની અંદર હતો, ખરીદી કરવા કે, ફિલમ જોવા, બહાર જમવા કે સગા વ્હાલાને મળવા અમે શહેરમાં જતા. સાબરમતી નદી ની ઉપર ફક્ત ત્રણ પુલ જે અમને બહારના વિસ્તારમાં લઈ જતા, સાબરમતી માં પાણી ખાલી ચોમાસામાં જ જોવા મળતું એટલે નદીના પટમાં સર્કસ ના તંબુ નંખાતા। આ અમદાવાદ માં ખાનગી વાહનો ઓછા અને બસો વધારે હતી., જ્યાં હવા થોડી શુદ્ધ, અને પાણી ની તંગી કાયમ હતી. આ અમદાવાદ નાનુ હતું, જાણીતું હતું, પરિચિત હતું. અને મારે તો હૈયે વળગેલું હતું.
મને યાદ છે કે ચિક્કાર બસોમાં પણ આનંદથી શહેરના એક છેડે થી બીજે છેડે જતા. પણ આજનું અમદાવાદ તો એટલું વિકસ્યું છે કે જાણે એનો છેડો જ નથી દેખાતો. જેટલું પહોળું થયું છે તેટલું જ ઊંચું પણ થયું છે. મિલોના ભૂંગળા ને બદલે મોટરોના ભૂંગળા હવા ભરી દે છે. જુના અમદાવાદમાં ગાડીઓ ભાગ્યેજ દેખાતી પણ આજના અમદાવાદ માં કહેવાય છે કે જેટલા બેડરૂમ તેટલી ગાડીઓ થઇ ગઈ છે. રીક્ષા અને હવે તો ઓલા ની ટેક્ષી થી રસ્તા ભરપુર. ગુજરાતી ભાષા એ અમદાવાદનો પરિચય હતો પણ આજે તો કોઈ બોલે ગુજરાતી તો કોઈ મરાઠી, કોઈ બેંગોલી તો કોઈ મદ્રાસી. હોટલો અને રસ્તા ઉપર જાત જાતની ભાષા સંભળાય।
આજના અમદાવાદમાં ચકલીઓ ની ચીંચીં નથી પણ હોર્ન ની ભોંભોં છે. જ્યાં ઘર ઘર માં થી વિવિધ ભારતી ના સુરો નથી સંભળાતા પણ ટીવી ના સંવાદો સંભળાય છે. જ્યાં યુવાનો transistor રેડીઓ લઈને નથી ફરતા પણ કાન માં વાયર નાખીને મનગમતું સંગીત સાંભળે છે. જ્યાં બસોમાં કોઈ એકબીજા સાથે વાતો કરીને ઓળખાણ નો દોરો નથી બાંધતા પણ ફોન ના મિત્રો સાથે ગપસપ કરે છે.
જયારે મેં અમદાવાદ છોડ્યું ત્યારે મને યાદ છે કે બસ બે હોટલ - હેવમોર અને પુરોહિત - હતી જ્યાં તેમના ઠંડા ફેમીલી રૂમ માં ગરમ સમોસા માણવાની મઝા જ્યારે મળતી ત્યારે આખું અઠવાડિયું એ આનંદનો અનુભવ રહેતો।. આજના અમદાવાદ માં બહાર જમવાના સ્થળો નિત નવીન. જો કે ફેમીલી રૂમ ગાયબ પણ ભાતભાતની વાનગીઓનો ચટાકો મળે છે. ચાઇનીઝ, પીઝા, સિઝલર, ગુજરાતી થાળી, જે જોઈએ તે તૈયાર. યુવાનો પોતપોતાના વાહન માં રસ્તે ઉભા રહી ને પણ ભાજીપાંવ કે મસ્કા બન ની મેગી કે બર્ગર ની મહેફિલ માણે છે.
પણ હજી ઘણું બધું અમદાવાદ અકબંધ પણ રહ્યું છે. ગાંધી રોડ નો ચંપલવાળો અને પ્લાસ્ટિકની થેલીઓ લટકતી ઘરવખરીની દુકાન વાળો, કાલુપુર સ્ટેશન ની ભીડ, માણેકચોક ની સોના ચાંદી ની દુકાનો, નદી ના પટ પર હરાજી નો સમાન બધું હજી જુના અમદાવાદ ની ઓળખ આપે છે. જૂનું અને નવું અમદાવાદ એકબીજા સાથે શાંતિ થી જીવતું જોવા મળે છે. જૂનું બદલ્યા કે છોડ્યા વગર નવું અપનાવું એ અમદાવાદ ની એક ખાસ ખાસિયત છે.
આ નવા-જુના અમદાવાદમાં અમારું આગમન થયું। હવે આવી ગયા પછી ની કથા આવતા હપ્તે।
મિનલ પંડયા