ખીચડી કઢી નું જમણ
તમે કોઈ દિવસ આ જોયું છે? પચાસી વટાવી ગયેલા આઠ દસ બહેનો જમણવાર માટે ટેબલ ઊપર બેસે અને વાતચીતનો - ના, લડવાનો - મુદ્દો આ કે કઢી ખાટી હોવી જોઈએકે ગળી? અમેરીકામાં આપણા એક પરિવારમાં આવું એકવાર બન્યું। આમ તો આ બધા બહેનો ભણેલા ગણેલાં, ઘર ચલાવવા થી માડી ને દેશ ચલાવી શકે તેટલા હોશિયાર. એમાંના થોડા તો દાદીમાં બની ચુકેલા અને ઘણા ખરા સાસુ તો ખરા જ . પણ થયું એવું કે બનાવનાર બે'નેખાટી (બિલકુલ ખાંડ વગરની) કઢી બનાવી કારણ કે એમને એવી જ ભાવે અને જમનાર લગભગ બધા ગળી ના શોખીન વાત બસ આટલીજ. તેમાં તો પડયા બે પક્ષ. કઈ જ્ઞાતિના લોકો કેવી કઢી બનાવે અને કઈ કઢી સારી એ વાત ઉપર બસ શસ્ત્ર અને શાસ્ત્ર નીકળવાના જ બાકી રહ્યા.
આખી સવારની શરૂઆત કંઈક આમ થઇ. રવિવાર ની સવાર. બે દિવસ થી ઘરમાં મહેમાન. આગલા દિવસ ના ભારે જમણ પછીબધાની ઈચ્છા થઇ સાદા સીધા જમણની એટલે નક્કી કર્યું કે ખીચડી અને કઢી ખાવાની મઝા આવશે. ઘરમાં ત્રણ મહેમાન તો હતા અને ખરેખર તો એમણે જ ખીચડી ખાવાની ઈચ્છા દર્શાવી હતી એટલે કામ સરળ હતું. પણ ત્યાં ફોનની ઘંટડી વાગી। બીજા બે મહેમાનો પણઆવશે એવું નક્કી થયું એટલે થોડો વિચાર બદલાયો કે તો થોડી ભાખરી અને શાક પણ બનાવીશું.
વાત કઈ ત્યાંથીજ અટકે? એક બે બીજા ફોન આવ્યા અને મહેમાનોનો આંકડો પહોચ્યો લગભગ બાર ઉપર. એટલે ભાખરી ને બદલે પૂરીકરવાનું સુચન એક બહેને કર્યું જે સર્વાનુમતે સ્વીકારાઈ પણ ગયું. ઘરના ત્રણ ચાર બહેનોએ રસોઈ કરવાની એટલે એવું નક્કી થયું કે એક ખીચડી બનાવે, એક કઢી, એક શાક બનાવે અને એક પૂરી બનાવે। અહિયાં સુધી તો વાત બરાબર ચાલી પણ હવે ખરી મઝા શરુ.
તમે કોઈ દિવસ ચાર બહેનોને સાથે રસોઈ બનાવતા જોયા છે? નાં જોયા હોય તો જીવન નો એક મોટો લહાવો હજી લેવાનો બાકી છે તેજાણજો. અંગ્રેજી માં એક કહેવત છે કે too many cooks spoil the broth એ કહેવત પ્રત્યશ જોવા જેવું બન્યું। શરૂઆત થઇ ખીચડીપ્રકરણથી। દલીલ ચાલી કે કઈ દાળ ની ખીચડી સારી। તુવેરની કે મગ ની. બન્ને દાળો ની સરખામણી, કઈ સારી અને કેમ તે ચર્ચા ચાલી. આપણા કુટુંબમાં કઈ દાળ ની ખીચડી થાય તેવું ચર્ચાયું. કયા દાદીએ કેમ એવું નક્કી કર્યું હતું તેમ પણ ચર્ચા થઇ. મગની દાળ અને તુવેરનીદાળ નો પક્ષ પડયો। બંને પક્ષમાં જોરદાર વિવાદો ચાલ્યા।
છેવટે નક્કી થયું કે આજે તો મગની દાળ ની બનાવીએ. તુવેરની દાળ વાળા બહેન થોડા નિરાશ તો થયા પણ કામ આગળ ચાલ્યું. પણ પછીવાતાવરણ પાછું દોહ્લાયું કારણકે ચર્ચા ચાલી કે દાળ અને ચોખા એક કલાક પલાળવા કે પલાવ્યા વગરજ તરત જ ખીચડી કરવી. જોકેસમયનો અભાવ જોતા પલાળવાનો વિચાર કેટલો યોગ્ય હતો તે ચર્ચા ચાલી. પણ એમ કઈ કાચા ના થવાય। માટે એકપક્ષી નિર્ણય થયો કેપલાળવું તો ખરું કારણકે સારી ખીચડી થવી જોઈએ.ભલે થોડું જમવામાં મોડું થાય. વસ્તુ તો બરાબર હોવી જોઈએ. હવે નિરાશ થવાનોવારો હતો નહિ પલાળવાની મત વાળા બહેનનો।
પછી આવ્યો શાક નો વારો. બટાકા નું શાક કરવું તે સર્વાનુમતે નક્કી થયું. (હાશ) પણ વઘારમાં મેથી સારી કે રાઈ તે ચર્ચા ચાલી. શાક બનાવનાર બહેને વીટો વાપરીને રાઈ તો નાખી પણ મેથી વાળા બહેન નું મોઢું જરા જોવા જેવું થયું. શાક વધારે રસાવાળું સારું કે ઓછા તે વાત ઊપર પણ વિવાદ થયો. છેવટે નક્કી કર્યું કે જરા ઓછા રસાવાળું બનાવવું। માટે શાક પ્રકરણ પત્યું। પૂરી બનાવવામાં પણ તેના કદ વિષે જુદા જુદા મત થયા. નાની કે મોટી, જાડી કે પાતળી, વગેરે વાતો ઉપર પક્ષાપક્ષી. જેનું વધારે જોર ચાલ્યું તે પ્રમાણે રસોઈ બનવા લાગી.
કાંદાનું કચુંબર પણ કંઈ સહેલાઈથી થોડું થાય? કાંદા ખાવા જોઈએ કે નહિ, કેટલા વડીલો તો કાંદા લસણ ને હાથ પણ નહોતા લગાડતા એ વાત ઉપર બે થી ત્રણ પેઢીને યાદ કરી. ત્યાર પછી કાંદા ઝીણા સમારવા કે મોટા, મશીન માં કે હાથ થી, બધી વાતો ચાલી અને દરેકપધ્ધતિનાં ફાયદા ગેરફાયદા ચર્ચાયા।
છેવટે આવ્યો જમણ નો સમય અને બધા ટેબલ પર ગોઠવાયા. ભૂખ બરાબર લાગી હતી કારણકે આ જમણ બનાવતા ધાર્યા કરતા તો ખાસ્સુંમોડું થયેલું. જયારે કઢી નો પહેલો સબડકો લીધો ત્યારે ખરો પ્રશ્ન આવ્યો।પહેલા બહેને મોઢું બગાડ્યું।. અરે, અરે, આવી સાવ ખાટી કઢી! બોલ્યા, "મારે તો ભાઈ ખાંડ જોઇશે". કઢી બનાવનાર બહેન ખીજ્વાયા। બોલ્યા ખરી કઢી તો ખાટ્ટી જ હોય. તાત્કાલિક મત લેવાયો અને મત ગણત્રી પણ થઇ ગઈ. નાં કોઈ જીત્યું કે નાં કોઈ હાર્યું. પણ બે પક્ષ પડ્યા તે પડ્યા. આમાં ના શાસ્ત્ર કામમાં આવે કે ના શસ્ત્ર. બસ બે નાતપડી ગઈ.
તો હવે તમને પૂછું. તમે કઈ નાતના? ખાટી કઢીની નાતના કે ગળી કઢીની નાતના ? જો જો હોં જરા વિચારીને જવાબ આપજો।
મિનલ પંડયા