સોમવાર, 31 ઑગસ્ટ, 2015

હળવે હૈયે (2)

હળવે હૈયે (2)

કંઈક શ્રીમતીજી નો આગ્રહ, કંઈક મારી પોતાની અંતર ઈચ્છા, અને કંઈક ગુજરાતી સાહિત્ય સાથે નો મારો વર્ષો જુનો સંબંધ એટલે આવતા ઉનાળામાં અમેરિકા ફરી આવવું એવું ધીરે ધીરે વિચારમાં થી આચારમાં પરિવર્તન થવા માંડ્યું. એવું કહ્યું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત હમેશા એક વિચારથી થાય છે અને માટે સારા વિચારોજ કરવા જોઈએ। ધર્મગુરુઓથી માંડીને વડીલો સુધી બધા આ  સલાહ આપતા હોય છે. એ સલાહ કહેવામાં તો સારી છે પણ કરવામાં કેટલી મુશ્કેલ છે એ વાત વળી ફરી કોઈ વાર. પણ મારા અને શ્રીમતીજી ના વાર્તાલાપ પછી જયારે મેં જોયું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ના આમંત્રણ થી અમેરિકા જવાનું બને તેમ છે એટલે  તૈયારીઓ કરી ચાલુ.

આજુબાજુ તપાસ ચાલુ કરી કે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ.  જેવી રીતે આપણને કોઈ નાનકડી બીમારી આવે અને દરેક ઓળખીતો doctor બની ને સલાહ આપે જ આપે તેવું અમેરિકા ની બાબતમાં પણ બનશે તેવો ખ્યાલ નહોતો. કૈક નવો અનુભવ ચાલુ થયો. પટાવાળાથી માંડીને પાનવાળા સુધી બધા પાસે કંઈ  ને કંઈ  વાર્તા, કંઈ  ને કંઈ સલાહ, અને કંઈ ને કંઈ ચેતવણી મળવા માંડી.  "જો જો હો પાસપોર્ટ ની તો બહુ વાર લાગે છે. અમારા સાહેબને તો છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડેલી। એ તો સારું થયું કે છેવટે આવી ગયો નહીતર આખી ટ્રીપ કેન્સલ કરવી પડત."

"અમેરીકન વિઝા માટે તો એવી લાંબી લાઈનો થાય છે કે મારા જેવા તો જવાનો વિચાર જ માંડી વાળે" એક વડીલ ઉચર્યા। "એરપોર્ટ ઉપર આપણું બધું ફેકાંવી દેશે જો જો ને. મારો ભાણિયો હમણાં ગયો તો બધા શાકભાજી ફેકી દેવા પડ્યા".  શાકભાજી નહિ લઇ જવાની ચોક્ખી સુચના પછી પણ એમનો ભાણિયો કેમ લઇ ગયો હતો તેવો પ્રશ્ન અસ્થાને લાગે તેમ સમજી ને પૂછવાનો વિચાર માંડી વાળ્યો. "ઈમિગ્રેશનવાળા આપણા લોકોને બહુ હેરાન કરે છે" ત્રીજા બોલ્યા.આ બધું સાંભળ્યા પછી થોડી હિમત તો ઘટી પણ ડગલું ભર્યું કે ના હટવું એ કવિતા યાદ કરીને તૈયારી જારી રાખી.

પાસપોર્ટ કઢાવવા માટે સૌથી પહેલા તો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો એનું પ્રમાણપત્ર જોઇશે એવી માહિતી મળી. હવે આટલા વર્ષે એ ક્યાં શોધવું? છેલ્લું કયારે જોયું હતું એની શોધ ચાલી. આખું ઘર ઉથલાવ્યું. ના જોઈતી બધી વસ્તુઓ મળી. કેટલી ઉમેદવાર છોકરીઓના ફોટા કબાટના ખૂણામાંથી નીકળ્યા. ઓહો કેટલા વર્ષો પહેલાની બધી સંઘરેલી સ્મૃતિઓ ફૂટી નીકળી. કેટલી અજાણી જન્મ્પત્રીકાઓ નીકળી. જનોઈ નો દોરો, બા અને બાપુજીનો સાથે પાડેલો ફોટો, ડીગ્રી ના સર્ટિફિકેટ, રેશમી પટ્ટીમાં બાંધેલા જુના કાગળો, બધું મળ્યું પણ બર્થ સર્ટિફિકેટ ના મળ્યું તે ના જ મળ્યું. હવે?

શ્રીમતીજી નું કહ્યું છેવટે માન્યું અને મોટા કાકી ને મળવા ઊપડ્યા. પહેલા તો કાકીશ્રી એવો ઉધડો લીધો "આટલા વર્ષે આજે કાકી ક્યાંથી યાદ આવ્યા. કેટલા વર્ષોથી દિવાળીમાં પણ આવતો  નથી. કંઈ કામ હશે એટલે કાકી યાદ આવ્યા હશે." નતમસ્તકે બધું સાંભળી લીધું. એક કલાક જૂની પુરાણી વાતો તેમણે કરી તે શાંતિથી સાંભળી અને આટલા વર્ષોથી નહિ આવવાની સજા ભોગવીને છેવટે તેમની પાસેથી હોસ્પિટલ નું નામ મેળવ્યું. ફરી જલ્દી આવવાની ખાતરી આપીને નીકળ્યો.

હવે વિચાર કર્યો કે એ હોસ્પિટલ માં કોને ઓળખીએ છીએ. નાનપણથી બાપુજી કહેતા કે "ઓળખાણ એ મોટી ખાણ છે"  તે સાચું લાગ્યું। એક મિત્રના ભાઈના ભાઈબંધ ની પત્ની ના પિતાની ઓળખાણ કાઢીને જન્મનું પ્રમાણ મેળવ્યું. આખો ને આખો હું હાજર હોઉં તોય કેમ મારા જન્મનું પ્રમાણ જોઈએ તે તો મને હજી પણ સમજાતું નથી. પણ આવા બધા પ્રશ્નો નહિ કરવાનું ડહાપણ તો જરૂર સમજાયું છે. માટે આપણે તો ચુપચાપ પ્રમાણપત્ર લઈને હરખાઈને ઘેર આવ્યા. શ્રીમતીજી એ ખુશાલી તો વ્યકત કરી પણ તેની સાથે યાદ કરાવ્યું કે જયારે જયારે હું તેમનું સાંભળું ત્યારેજ મારું કામ થાય છે. ચાલો એક કામ તો પત્યું તેનો સંતોષ માનીને શ્રીમતીજી નું આ વાકબાણ અને ચાનો ઘુંટડો બંને ગળે ઉતાર્યા.

હવે કાલે પાસપોર્ટ ની ઓફિસે જવાનો નિર્ણય લઈને આજે તો શાંતિથી નીદ્રાદેવી  ને શરણે જવાની તૈયારી ચાલુ કરી.


મિનલ પંડયા




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો