સોમવાર, 5 ડિસેમ્બર, 2016

હળવે હૈયે (5)

હળવે હૈયે (5)

હાશ હવે બેગો તૈયાર. એર ઇન્ડિયા ની ટિકિટો પણ આવી ગઈ એટલે  થોડી શાંતિ એવું વિચારતો હતો ત્યાંતો અંદરથી અવાજ આવ્યો.

"કહું છું.સાંભળો છો? "

વિચાર આવ્યો  કે કદાચ ગુજરાતી ભાષા ના  સૌથી વધારે ફાળ પડાવતા આ  ચાર શબ્દો હશે

"હા બોલો"

" આપણે હવે નીકળવાના પંદર દિવસ જ  બાકી રહ્યા છે. આપણે જતા પહેલા  બધા વડીલોને મળી લેવું જોઈએ."

"કેમ, એ લોકો ક્યાં જવાના  છે? આવ્યા પછી તરત દિવાળી આવશે ત્યારે મળીશું જ ને"

શ્રીમતીજી એ દલીલ કરી કે એમના આશિર્વાદ લઈને જઈએ તો સારું। વળી, પાછા આવીએ ત્યારે હોય કે ના હોય એવું  ઉચાર્યુ માટે વિવાદને ખાસ સ્થાન નથી તે સમજી જઈને મેં હા પુરાવી।

"તમે નક્કી કરજો કે કોને કોને મળવા જવું છે એટલે આપણે રજા ના દિવસે જઈ આવીશું" એમ બોલતા તો બોલ્યો પણ આ મળવા જવાનું લિસ્ટ આટલું લાબું નીકળશે તેવી ખબર નહોતી। જયંતિ  કાકા ને કાકી, બચુમામા ને મામી, વ્હાલામાંમા ને મામી, વાસંતી ફોઈ ને ફુઆ.  અને સૌથી મોટા બાફોઈઆ લોકોને તો મલવુંજ જોઈએ અને એ બાજુ જતા હોઈએ તો મારા મામા અને મારી  બહેન પણ ત્યાં જ છે એટલે એક આંટો ત્યાં પણ મારતા આવીશું।

બીજો ખાસ ખ્યાલ આવ્યો કે અમદાવાદ હવે બહુ વધી ગયું છે. એક રહે  રાયપુર અને બીજા સેટેલાઇટ। એક ઇસનપુર ને બીજા વસ્ત્રાપુર। આટલા રિક્ષાના પૈસામાં તો અડધા પરદેશ પહોંચી જવાય એવું જરા ગણગણ્યું એટલે શ્રીમતીજી તાડૂક્યાં।

"શું બોલ્યા? કોઈને મળવા જવાનું આવે એટલે તરત પૈસા ગણશો। આમ ને આમ તો કોઈની જોડે સંબંધ જ ના રહે. એતો સારું છે કે હું મળી છું એટલે બધા વ્યવહાર સચવાય છે નહીંતર તમને ખબર પડત કે સંબંધ ના રાખો તો શું થાય."

મનમાં ને મનમાં વિચાર્યું કે એ વાત વિચારવા જેવી તો હતી પણ હવે થોડું મોડું થઇ ગયું છે.

ખેર છેવટે રવિવારે સર્વ વડીલોને પ્રણામ કરી આવ્યા. કોઈએ વણમાગી  સલાહ આપી કે જો જો સાચવીને બધું રાખજો। સાંભળ્યું છે કે ચોરી બહુ થાય છે. ખરીદીમાં ખાસ ધ્યાન રાખવું। છેતરાઈ જવાય છે. તબિયત ખાસ સાંભળજો। ત્યાં જો  માંદા  પડ્યા તો આવી બનશે। ડોક્ટરોના બિલ નો પાર જ નહિ આવે.

તો કોઈએ પ્રશ્નો ની ઝડી વરસાવી। કેમ અમેરિકા જવાનું નક્કી કર્યું? પાછા આવશો કે પછી ત્યાંજ? કોને કોને મળવાનો પ્લાન છે ?  એરપોર્ટ પાર કોણ લેવા આવશે? અમેરિકામાં ક્યાં ક્યાં ફરશો? ગરમ કપડાં બરાબર લીધા છે ને?

તો કોઈ એ  વળી  ખરીદીનું લિસ્ટ આપ્યું। મારા માટે કેસર ચોક્કસ લાવજો। અને ન્યૂયોર્ક માં એક દુકાન માં ખાસ મસાજ કરવાની ગાદી મળે છે તે લવાય તો લાવજો। છેવટે સાંજે ઘેર આવ્યા ત્યારે બદામ, કેસર, પિસ્તા થી માંડી ને સ્વેટર, કમ્પ્યુટર, અત્તર અને ચોકલેટ લિસ્ટ માં ઉમેરાતા ગયા. હવે  સમજ  પડી કે મોટી બેગો કેમ જોઈએ। શ્રીમતીજી ની લાંબી દ્રષ્ટિ ઉપર માન ઉપજ્યું।

બસ હવે થોડા દિવસમાં અમેરિકા જોવા મળશે તે વિચારોમાં ઊંઘ ક્યારે આવી ગઈ તે ખબર પણ ના પડી.




ગુરુવાર, 1 ડિસેમ્બર, 2016

હળવે હૈયે (4)

હળવે હૈયે (4)

થયું કે હાશ પાસપોર્ટ અને અમેરીકાન વિઝા મળી ગયા એટલે  થોડી શાંતિ. વિઝા મળ્યાની ખુશાલી માં પહેલા તો ધેર આવીને સરસ ગરમ ગરમ લસલસતી લાપસીનું જમણ આરોગ્યું. પણ હજી  માંડ લાપસી નો ઓડકાર ખાધો અને લંબાવ્યું ત્યાં તો જોરદાર પ્રશ્ન આવ્યોં.

"કહું છું?  તમે ટીકીટ ની તપાસ કરી?  અને  સાંભળો બીજું એ કે આપણે બેગો લેવા ક્યારે જઈશું?"

"કેમ, ઘર માં જે હોય તેમાંથી લઇ જઈશું હમણાં ચારધામ ગયા ત્યારે લીધી હતી તે"  મેં મારી બેદરકારીનું પ્રમાણપત્ર આપ્યું.

"શું વાત કરો છો?  આવી મોટી ચાર બેગો કઈ થોડી ઘર માં થી નીકળે?  અને દેખાય પણ કેવી? લોકો મુકવા આવે તે આપણી શું કદર કરે કે આવી બેગો લઈને અમેરિકા જતા હશે?"

"પણ આપણે ખાલી એક મહિના માટે જવું છે અને ચાર મોટી બેગો નું શું કામ?" ફરી વાર બાફ્યું.

"અરે તમે તો હજી એવા ને એવા જ રહ્યા. જોયું નહિ? આ સામેવાળા ગયા વર્ષે જઈ આવ્યા તો કેટલું બધું લેતા આવ્યા'તા? આપણે પણ થોડું શોપિંગ તો કરીશું જ ને? વળી ત્યાં બધા માટે અહીંથી થોડીક બધી ભેટ લેવી પડશે। એટલે બેગ તો મોટી જોઇશે "

"મને તો એમ હતું કે આપણે ખાલી ફરવા જઈએ છીએ. આપણા ઘરમાં તો  ઘર ભરી ને તો વસ્તુઓ છે. હવે શું લાવવાની જરૂર છે? આમતો તમે રોજ કહો છો કે હવે ઘરમાં બેસવાની જગ્યા પણ રહી નથી એટલો બધો સરસામાન થઇ ગયો છે"

આટલું બોલતા નો બોલી લીધું પણ તરત જ પસ્તાવો થયો. ખબર હતીકે આ ખોટું બાણ તાક્યું. હવે એનો સામનો કરવાની તૈયારી રાખ્યા વગર છૂટકો નથી.

માટે ધીરે રહીને વાત વાળી. પૂછ્યું:
" કાલે મારે ક્લાસ નથી તો કાલે બેગ લેવા જઈએ તો કેવું ?"

છેવટે બીજે દિવસે બપોરે બેગ લેવા જવું તેવું નક્કી કરી સુતા. વિચાર્યું, આ તો હજી પાશેર માં પહેલી પૂણી છે. જરા ઝોકું આવ્યું તો સપનામાં અમેરિકાની ગલીઓમાં મોટી બેગો લઈને લાંબુ લાંબુ ચાલતા હતા, શ્વાસ ચડ્યો હતો પણ ક્યાય બેસવાની જગ્યા નથી એવું દ્રશ્ય જોઇને ઝબકીને જાગી જવાયું.

બેગો તો જાણે બીજે દિવસે લઇ આવ્યા પણ પછી ખરીદી કઈ ત્યાંથી થોડી અટકે? ઠંડી ના કપડા લેવાનું બાજુવાળા એ સૂચવ્યું. ભલે ત્યાં ઉનાળો હોય પણ આપણને તો ઠંડી જ લાગવાની એવી સુચના પછી બે મોટા જાડા કોટ અને બે સ્વેટર લીધા. અડધી બેગ તો આમાં જ ભરાઈ જશે તે બીક કે ત્યાં ઠંડી માં ઠરી જઈશું તે બીક. કઈ બીક મોટી તે નક્કી કરવાનું કામ શ્રીમતીજી ને સોપ્યું. અધરું કામ હમેશા એમને સોપવાની ટેવ હાથવગી થઇ.

હવે આવ્યો કપડા નો વારો. કેટલા શર્ટ, કેવા શર્ટ, કેવા અને કેટલા પેન્ટ, આ ઉપરાંત ભારતીય પોશાક લેવો જોઈએ કે નહિ, વાદવિવાદ, સંવાદ, દિવસો ચાલ્યો. છેવટે કપડાંની બેગ તો જાણે ભરી પણ ભેટ સોગાદ શું લેવી, કેટલી લેવી, લેવી કે નહિ, થોડી સલાહ સૂચનો પછી નકકી થયું। અમેરિકામાં બધાને આપણું ખાવાનું બહુ ભાવે એટલે જાત જાતના ખાવાના પડિકાથી બેગ ભરાઈ ગઈ. અથાણાં, મરચા, સેવ, ગાંઠિયા, ખાખરા, મીઠાઈ વગેરેની  સુગંધો એકબીજા સાથે અથડાતી અથડાતી આખા ઘરના બધા ઓરડાઓમાં પણ બેગ ની હાજરી ની યાદ અપાવતી હતી. આ સુગંધોથી તરબતર અમેરિકાના સપના જોતા જોતા આંખો મીચાઈ ગઈ.






શુક્રવાર, 12 ઑગસ્ટ, 2016

હળવે હૈયે (૩)

હળવે હૈયે (૩)


છેવટે આજે સવારની ટપાલમાં કાગ ને ડોળે રાહ જોવાતો પાસપોર્ટ આવ્યો. મારો ફોટો જોઇને તો એવું લાગ્યું કે આ મોઢું બતાવીને તો ક્યાય નાં જવાય. પણ મારા કરતાય ખરાબ હાલ તો શ્રીમતીજીની  એતો કહે કે ફરી ફોટો પડાવીને ફરી પાસપોર્ટ લઈએ. આવા ફોટા પર તો ક્યાય નાં જવાય. હું તો શરમાઈને મરી જાઉં। પણ પાસપોર્ટ ઓફિસની મુલાકાત અને લાંબી લાઈનો યાદ કરાવી એટલે એમણે એ  વિચાર પડતો મુક્યો. આ જે છે તેજ પાસપોર્ટ સાથે મુસાફરી કરવી તે છેવટે નક્કી થઇ ગયું।

પાસપોર્ટ મળ્યો એટલે હવે અમેરિકન વિઝા માટે અરજી ભરી દીધી અને થોડા દિવસમાં તો ઈન્ટરવ્યું ની તારિખ પણ આવી ગયી.

વાતો તો ઘણી સાંભળેલી કે કેવી લાંબી લાઈનો હોય  અને કેવી જાત જાત  ની પ્રશ્નાવલી  માં તમને ગૂંચવે. એટલે અમેતો બરાબર તૈયારી ચાલુ કરી. કેવા પ્રશ્નો પૂછશે એનું તો લાબું લિસ્ટ મળેલું જ હતું જવાબ માટે પણ ઘણી સલાહ મળેલી। સલાહ આપનારા કેટલાક ને તો પોતાને બે ચાર વાર વિસા નહોતો મળ્યો। અમે તો સૌનું સાંભળતા। પણ જેટલું વધારે સાંભળીએ તેટલી વધારે ચિંતા થતી . શ્રીમતીજી  તો ભારે ગભરાય। પ્રશ્નો તો ખરા જ પણ કપડાંની પણ પસંદગી કરવાની। સાડી પહેરું કે ડ્રેસ?  કેવી સાડી પહેરવી જોઈએ તો સારી ઈમેજ પડે, કઈ લકી છે અને કઈ નથી...બે ત્રણ બહેનપણીઓ ને તો પૂછી લીધું।  બાજુવાળા સ્મિતાબેને કહ્યું કે એમણે જે સાડી પહેરી હતી તે ખુબ નશીબદાર હતી અને એમને એ પહેરી ને ગયા તો ઓસ્ટ્રેલિયા નો વીસ મળી ગયો હતો. એટલે સ્મિતાબેન ની સાડી પહેરવાનું નક્કી કર્યું।

હવે વાત આવી મારા શર્ટ ની. કબાટ માં થી ઢગલો બહાર કાઢીને તેમાંથી ત્રણ પસંદ કર્યા। મારા ગમવા ના ગમવાનો  આમ પણ  કોઈ સવાલ હતો જ નહિ  એટલે મૌન રાખવામાંજ ડહાપણ છે તે સમજી ને ચૂપ રહ્યો। છેવટે ત્રણે શર્ટ સાથે લઇ જવા અને એક પછી નક્કી કરવું તેવું કહેવામાં આવ્યું। છેવટે સ્મિતાબેન જ વ્હારે આવ્યા। એમણે સૂચવ્યું કે સફેદ રંગ સારો કારણકે એ શાંત સ્વભાવ નું પ્રતીક છે।  એટલે  ત્રણ માંથી સફેદ શર્ટ નક્કી થયું।

વિસા ના દિવસે વહેલી સવારે ભગવાન ને દીવો અને પ્રાર્થના કરીને નીકળ્યા।બધાના કહેવા પ્રમાણે લાઈન તો લાંબી હતી. થોડાક યુવાનો જીન્સ એન્ડ ટીશર્ટ માં અને કાને ખોસેલા સંગીત માં મગ્ન હતા.  શું આ બધા સંગીતના આટલા બધા રસિયા હશે કે કોઈની સાથે વાત ના કરવી પડે એટલે  સાંભળવાનો ઢોંગ કરતા હશે એમ વિચાર  જયારે જયારે હું આજના યુવાનો એન્ડ યુવતીઓને જોઉં છું ત્યારે આવે છે. લાઈનમાં ઘણા બધા વડિલો જાડો ડગલો  અથવા શાલ સાથે સુસજ્જ હતા. અમેરિકા જતા પહેલા જ આ લોકો ને ઠંડી લાગવા માંડી હશે? વિચાર આવ્યો।

લાઈન માં બધાય  ખાસ્સા નર્વસ દેખાતા હતા. આગળ વાળા કાકા તો  "જય  સ્વામિનારાયણ " નો જાપ મોટે  મૉટે  થી જપતા હતા. અમારાથી થોડે પાછળ એક માજી સફેદ સાડી માં હતા એતો વળી નાના લાલજી  ને સાથે લઈને જ આવ્યા હતા. થોડા વધારે આગળ એક યુવાન કોઈ સંગીત ઉપર ડાન્સ કરતો હતો તો કોઈ યુવતી ફોન માં ખોવાયેલી  હતી. અમે પણ ચિંતામગ્ન તો હતા જ. ભગવાનને યાદ કરતા કરતા લાઈન આગળ વધે તેની રાહ જોતા હતા. એટલામાં આગળ હલચલ મચી. એક કુટુંબ બહાર આવ્યું એટલે એની ઉપર પ્રશ્નો ની વર્ષા ચાલી। તમને વીસા મળ્યો? શું પૂછ્યું? કેવા પ્રશ્નો પૂછે છે? કેવો માણસ છે? એ કુટુંબ ને તો વીસા  નહોતો મળ્યો એટલે નિરાશ થઈને બહાર આવ્યા હતા. એમને જોઈને બધાની હિંમત થોડી વધારે ગબડી। જુદા જુદા ભગવાન નું સ્મરણ વધારેજોરથી ચાલુ થયું।

ધીરે ધીરે લાઈન આગળ વધી. કોઈક નિરાશ થઈને આવતું  જાણે કે કોઈ સ્વજન નું મરણ  થયું હોય. અને કોઈ ખુશ ખુશાલ - જાણેકે  સ્વર્ગનો વીસા મળી ગયો. છેવટે અમારો વારો આવ્યો। શ્રીમતી તો સવાર થી જ મનોમન જાપ જપતા હતા. અને એમનું ભગવાને જરૂર  સાંભળ્યું હશે કારણકે એમને તો ના ખાસ કોઈ સવાલ પૂછ્યા કે ના કોઈ હેરાનગતિ થઇ. ખાલી પૂછ્યું કે અમેરિકા કેમ જવું છે અને ત્યાં ક્યાં ક્યાં ફરશો। કેટલો સમય રહેશો। અને ફટાફટ દાસ વર્ષ નો વીસા આપી દીધો।

ખુશ ખુશાલ અમેરિકાના સપના જોતા જોતા અમે ઘેર પહોંચ્યા। થોડા જમીન થી અધ્ધર ચાલતા હતા એવું જાણે લાગવા માંડ્યું।



સોમવાર, 4 જુલાઈ, 2016

ખરીદીની ખરી મઝા તો અમદાવાદમાં

 ખરીદીની ખરી મઝા તો અમદાવાદમાં 

મોટા ભાગના લોકો માને કે ખરીદી કરવા તો પરદેશ માં જવું. પણ મને લાગે કે ખરી ખરીદીની મઝા તો અમદાવાદ માં છે.

આવી રીતે કૈક શરૂઆત થાય. તમે કોઈ સાડી ની દુકાન પાસેથી પસાર થતા હો. સાડી ખરીદવાનો કોઈ ખાસ વિચાર પણ ના હોય. સાડી ની દુકાન રસ્તામાં આવે એટલે જરા નજર જાય. જો તમે અજાણ્યા હો તો તમને પહેલા તો તમને શંકા થાય કે આ દુકાન ખુલ્લી તો છે ને?  કારણકે દુકાન થોડી અંધારી હોય.એકાદ ઝીણી બત્તી ચાલતી હોય, પંખો બંધ હોય. પણ જેવા તમને જુએ એટલે ક્યાંકથી કોઈક " આવો બેન, આવો" કરીને તમને જાણે તેમના ઘરમાં આમંત્રણ આપતા હોય તેમ આવકારે। ફટાફટ બે ત્રણ ટ્યૂબલાઈટ  અને બે પંખા ચાલુ થઈ જાય. તમે જેવા ચંપલ કાઢીને અંદર આવો એટલે સફેદ ચાદર પાથરેલી જાડી ગાદી  અને મોટા સફેદ તકિયા તમારો આવકાર કરવા તૈયાર હોય. અહીંયા સુવાની તૈયારી કરવી કે બેસવાની તેમ વિચારતા તમે જરા તકિયાને અઢેલીને બેસો। ત્યાં તમારા યજમાન યાને કે દુકાનદાર પૂછે, "બોલો બહેન, શું બતાવું?". હવે તમને સંકોચ થાય કે હું તો ખાલી આ બહાર લટકતી સાડી જોવા આવી હતી. એટલે તમે કહો, "ના,ના, ખાસ કઈ નહીં જરા પેલી સાડી બતાવશો?"

આટલી વારમાં તો તમને એ દુકાનદારે પુરા માપી લીધા હોય. સૌથી પહેલા તો તમારા બે શબ્દ પરથી અને કપડાં પરથી અનુમાન કરી લીધું હોય કે તમે અહીંના છો કે પરદેશથી આવ્યા છો. જો પરદેશી લાગ્યા તો તો તમારો  આવકાર થોડો વધારે મીઠાશથી થાય. તમારી ચંપલ, કપડાં, વાતચીત બધું એની નજર માં ગોઠવાતું હોય. એ બધાના માપે તમે કેવા કુટુંબમાં થી આવો છો, કેટલા પૈસા ખર્ચવાની શક્તિ ધરાવતા હશો એ બધો હિસાબ થઈ ગયો હોય. વાણીમાં કેટલી મીઠાશ ભરવી તે પણ નક્કી થઈ ગયું હોય.  હાર્વર્ડ માં કે IIM  માં  MBA કરેલા ને પણ આટલી જલ્દી આ સમજણ કદાચ નહીં આવતી હોય એટલી ઝડપથી તમને સમજી જાય.

તમે હજી વિચારો કે શું કરવું એ પહેલા તો તમારી આગળ સાડીઓનો ઢગલો થતો જાય.  રંગ બેરંગી, સરકતી, ચમકતી, લસરતી, લહેરાતી। હવે તમારી અંદરનો સાડીનો જુગ જુનો પ્રેમ વધારે જાગૃત થાય, તેટલામાં તો દુકાન વાળો એરકંડીશન ચલાવે। અને પૂછે, " બેન, ચા ચાલશે કે કઈ ઠંડુ?"આહા, શું આનદં। ધેર જવાની ઉતાવળ ભૂલીને તમે શાંતિ થી એક પછી એક સાડી પકડીને રંગ અને ડિઝાઇન ઉપર "હા, હું, સરસ, ઠીક," એમ બોલતા જાઓ.

ધીરે ધીરે ઢગલો મોટો થતો જાય. એ દરમિયાન માં એ તમારા હાવભાવ જોતા જોતા  નક્કી કરે કે ક્યાં તમે અચકાવો છો અને ક્યાં તમારી આંખો ચમકે છે. જો તમે બે ચાર લોકોની સાથે ગયા હો તો તો તમારી અંદર અંદરની વાતચીત પણ મદદ કરે. છેવટે તમે જ્યારે ઢગલા માં થી સાત આઠ જુદી પાડો ત્યારે હવે ખરો શો શરૂ થાય. ચા આવે. તમે જેમ ધીમે ધીમે ઘૂંટડા લેતા હો ત્યારે એ તમને દરેક સાડી પોતાના ઉપર પહેરીને બતાવે। કોઈ સંકોચ નહીં, કોઈ ગેરસમજ નહીં। બસ ખાલી સાડી કેવી સરસ લાગે છે તે બતાવવાની હોશ.

છેવટે તમે એક ને બદલે પાંચ સાડી લઈને બહાર નીકળો। અને હોંશે હોંશે રસ્તામાં પાણી પૂરી ખાઈને ઘેર પહોંચો। એ પણ ખુશ અને તમે પણ ખુશ.

આતો થઈ સાડી ની દુકાન ની  વાત પણ શાકવાળી લો કે ફળ વેચવા વાળી  તે પણ એટલા પ્રેમ (?) થી બે શાક વધારે લેવડાવે। "આજની પાપડી તો બસ તમારે માટે જ ખાસ આવી છે" "લો આ પપૈયું જુઓ. મીઠું મધ જેવું છે" " આજે મારે તમારી બોહણી જ કરવી છે". "  લો થોડા કોથમીર અને મરચા મારા તરફથી"

ક્યાં આ ખરીદી અને ક્યાં  અમેરિકામાં શોપિંગ મોલ મા હેંગર ઉપર લટકતા કપડાં ઉભા ઉભા જોતા જોતા પસંદ કરી  અને કિંમતની ચીઠી શોધી ને દૂર રાખેલા અરીસામાં પ્રતિબિંબ જુઓ. દસ વાર આમ તેમ ફરીને છેવટે પાછા હેંગર પર એ કપડાં લટકાઓ। અને ખાલી હાથે ઘેર પાછા! અમેરિકામાં જાતજાત ના સેલના ફરફરિયા ઘેર આવે જેમાં ખૂબ ધ્યાન થી, ખૂબ રિસર્ચ કરીને તમને દુકાન માં લાવવાનો પ્રયત્ન હોય અને સફળ પણ થાય પણ પછી જ્યારે એ સ્ટોર માં પહોંચો ત્યારે પહેલા તો સેલ્સમેન ના મળે, પછી એને એ ફરફરિયા વાળો ડ્રેસ ના મળે, પછી તમારી સાઈઝ ના મળે, પછી જ્યારે એ બધું મળે ત્યારે ખબર પડે કે સેલ ની ડેટ તો ગઈ!

મીનળ પંડ્યા


મંગળવાર, 28 જૂન, 2016

નવું અમદાવાદ - જૂની નજરે

Image result for amdavadનવું અમદાવાદ - જૂની  નજરે 

જેવી રીતે આપણા માતા પિતા સાથે નો આપણો સંબંધ આપણે જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ બદલાતો હોય છે તેવું જ કૈક આપણો, બિન રહેવાસી ભારતીયોનો, આપણી માતૃભૂમિ સાથેના  સંબંધનું  હોય છે.  માતા પિતા માટે નાનપણ માં બસ અનહદ પ્યાર, લાગણી અને આદર અને એ  જ આપણી દુનિયા.  ધીરે ધીરે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ જરા દ્રષ્ટિ બદલાય. માતા પિતામાં થોડી ઉણપો દેખાય. પછી જરા ઊંચા દરજ્જા પામતા થઈએ તેમ તેમ તેમને નવી નજરે જોતા થઈએ. થોડી વધારે ખોડ ખાપણ, ટીકા અને સુચન ઉમેરાય. પણ ત્યાર પછી એક ઉંમર એવી આવે કે એમનું ડાહપણ, એમનો પ્રેમ, એમણે કરેલો ત્યાગ એ બધું સમજાય.અને એમનું સાચું મૂલ્યાંકન થાય.

કંઈક  તેવી જ રીતે બિન રહેવાસીઓ પણ જયારે સૌ પ્રથમ  દેશ  છોડે ત્યારે દેશપ્રેમ દિલ માં  ભરપુર હોય. અમેરિકાનું બધું ખટકે। પછી ધીરે ધીરે જેમ જેમ નવા દેશનો સહેવાસ વધે તેમ તેમ માતૃભૂમિ માટે ટીકા ટિપ્પણ અને સલાહ નો મારો ચલાવે. થોડા વર્ષો પછી પાછું જયારે જીવન ચક્ર બદલાય અને જયારે પચાસી વટાવીને આ બધું જુદી નજરે નિહાળે ત્યારે પાછુ ભારત નું ઘણું સારું લાગવા માડે. તેની સંસ્કૃતિમાં રહેલું ડહાપણ સમજાય।

બસ આવુજ કૈક મારું પણ થયું.

ચાલીસ વર્ષ પહેલા જયારે ભારત છોડ્યું ત્યારેતો બસ એકલો પ્રેમ નીતરતો સંબંધ. પછી જેમ જેમ પરદેશ કોઠે પડતું ગયું તેમ ધીરે ધીરે થોડી ટીકા ટિપ્પણ ભળી. લાગણીઓનું અંતર થોડું વધ્યું, ટેવો થોડી બદલાઈ, શરીર થોડું વિકસ્યું, પણ તોયે અખૂટ પ્રેમ નું  ખેચાણ તો ખરુજ. કદાચ આને જ અર્ધદગ્ધ સ્થિતિ કહેવાતી હશે. ત્યાર પછી જેમ ઉમર વધી, બાળકો ઉછર્યા અને પોતાના વ્યવસાયમાં લાગ્યા તેમ પાછું માતૃભૂમિનું લોહી જોર કરવા લાગ્યું. ફરી ફરી ને ત્યાં લાંબો સમય રહેવાની લાલસા જાગી.
.
એટલે જ  અમારી આ વખતની ભારતની ટ્રીપ જરા જુદી હતી.  છેલ્લા ચાલીસ વર્ષથી ભારત ની બહાર રહ્યા પછી આ વખતે પહેલી વાર ત્યાં ઘર કરવાના ઓરતા પુરા થવાના હતા. થોડીક આતુરતા, થોડીક ચિંતા, અને થોડીક અધીરાઈ બધું ભેગું. બદલાયેલા ભારતની નવી તસ્વીર જોવાની હતી. જોકે આમ તો અમે અવારનવાર નાની અને ટૂંકી ટ્રીપ કરતા હતા એટલે થોડો અણસાર તો હતો પણ એ બધી ટ્રીપ ટૂંકી કે જેમાં ઘરની મહેમાનગતિ માણીને બે અઠવાડિયા માં પરત. એટલે બધી ખબર અછડતી. પરદેશ માં રહેતા ભારતીય મિત્રો સાથે જે અવારનવાર વાતચીત માં ચિત્ર ઉપસતું તે પણ અડધું પડધું એટલે સ્વાનુભવની ઈચ્છા સાથે ત્રણ મહિના માટે ભારત જવાનું ગોઠવ્યું।

લગભગ પહેલા દિવસથી જ અમદાવાદ ચાલીસ વર્ષમાં કેટલું બદલાયું છે તે હર પળ સમજાતું હતું દેખાતું હતું. ક્યાં મારા બાળપણ નું અમદાવાદ કે જેમાં બહુમાળી મકાન ફક્ત  સાત માળનું હતું, જ્યાં ચોસઠ મિલો ના ભૂંગળા વહેલી સવાર ની બાંગ પોકારતા. જ્યાં સાયકલ ઉપર ટીફીનના ડબ્બા લટકાવીને મિલ મજુરો ટીનટીન ઘંટડી વગાડતા જોવા મળતા.

 મારા જાણીતા અમદાવાદમાં શહેરનો  વિસ્તાર બાર દરવાજાની અંદર હતો, ખરીદી કરવા કે, ફિલમ જોવા, બહાર જમવા કે સગા વ્હાલાને મળવા અમે શહેરમાં જતા. સાબરમતી નદી ની ઉપર ફક્ત ત્રણ પુલ જે અમને બહારના વિસ્તારમાં લઈ જતા, સાબરમતી માં પાણી ખાલી ચોમાસામાં જ જોવા મળતું એટલે નદીના પટમાં સર્કસ ના તંબુ નંખાતા। આ અમદાવાદ માં ખાનગી વાહનો ઓછા અને બસો વધારે હતી., જ્યાં હવા થોડી શુદ્ધ, અને પાણી ની તંગી કાયમ હતી. આ અમદાવાદ નાનુ હતું, જાણીતું હતું, પરિચિત હતું. અને મારે તો હૈયે વળગેલું હતું.

મને યાદ છે કે ચિક્કાર બસોમાં પણ આનંદથી શહેરના એક છેડે થી બીજે છેડે જતા. પણ આજનું અમદાવાદ તો એટલું વિકસ્યું છે કે જાણે એનો છેડો જ નથી દેખાતો. જેટલું પહોળું થયું છે તેટલું જ ઊંચું પણ થયું છે. મિલોના ભૂંગળા ને બદલે મોટરોના ભૂંગળા હવા ભરી દે છે. જુના અમદાવાદમાં ગાડીઓ ભાગ્યેજ દેખાતી પણ આજના અમદાવાદ માં કહેવાય છે કે જેટલા બેડરૂમ તેટલી ગાડીઓ થઇ ગઈ છે. રીક્ષા અને હવે તો ઓલા ની ટેક્ષી થી રસ્તા ભરપુર. ગુજરાતી ભાષા એ અમદાવાદનો પરિચય હતો પણ આજે તો કોઈ બોલે ગુજરાતી તો કોઈ મરાઠી, કોઈ બેંગોલી તો કોઈ મદ્રાસી. હોટલો અને રસ્તા ઉપર જાત જાતની ભાષા સંભળાય।

આજના અમદાવાદમાં ચકલીઓ ની ચીંચીં નથી પણ હોર્ન ની ભોંભોં છે. જ્યાં ઘર ઘર માં થી વિવિધ ભારતી ના સુરો નથી સંભળાતા પણ ટીવી ના સંવાદો સંભળાય છે. જ્યાં યુવાનો transistor રેડીઓ લઈને નથી ફરતા પણ કાન માં વાયર નાખીને મનગમતું સંગીત સાંભળે છે. જ્યાં બસોમાં કોઈ એકબીજા સાથે વાતો કરીને ઓળખાણ નો દોરો નથી બાંધતા પણ ફોન ના મિત્રો સાથે ગપસપ કરે છે.

જયારે મેં અમદાવાદ છોડ્યું ત્યારે  મને યાદ છે કે બસ બે હોટલ - હેવમોર અને પુરોહિત - હતી જ્યાં તેમના ઠંડા ફેમીલી રૂમ માં ગરમ સમોસા માણવાની મઝા જ્યારે  મળતી ત્યારે આખું અઠવાડિયું એ આનંદનો અનુભવ રહેતો।. આજના અમદાવાદ માં બહાર જમવાના સ્થળો નિત નવીન. જો કે ફેમીલી રૂમ ગાયબ પણ ભાતભાતની વાનગીઓનો ચટાકો મળે છે. ચાઇનીઝ, પીઝા, સિઝલર, ગુજરાતી થાળી, જે જોઈએ તે તૈયાર. યુવાનો પોતપોતાના વાહન માં રસ્તે ઉભા રહી ને પણ ભાજીપાંવ કે મસ્કા બન ની મેગી કે બર્ગર ની મહેફિલ માણે છે.

પણ હજી ઘણું બધું અમદાવાદ અકબંધ પણ રહ્યું  છે. ગાંધી રોડ નો ચંપલવાળો અને પ્લાસ્ટિકની થેલીઓ લટકતી ઘરવખરીની દુકાન વાળો, કાલુપુર સ્ટેશન ની ભીડ, માણેકચોક ની સોના ચાંદી ની દુકાનો, નદી ના પટ પર હરાજી નો સમાન  બધું હજી જુના અમદાવાદ ની ઓળખ આપે છે.  જૂનું અને નવું અમદાવાદ એકબીજા સાથે શાંતિ થી જીવતું જોવા મળે છે. જૂનું બદલ્યા કે છોડ્યા વગર નવું અપનાવું એ અમદાવાદ ની એક ખાસ ખાસિયત છે.

આ નવા-જુના  અમદાવાદમાં અમારું આગમન થયું।  હવે આવી ગયા પછી ની કથા આવતા હપ્તે।

મિનલ પંડયા