સોમવાર, 5 ડિસેમ્બર, 2016

હળવે હૈયે (5)

હળવે હૈયે (5)

હાશ હવે બેગો તૈયાર. એર ઇન્ડિયા ની ટિકિટો પણ આવી ગઈ એટલે  થોડી શાંતિ એવું વિચારતો હતો ત્યાંતો અંદરથી અવાજ આવ્યો.

"કહું છું.સાંભળો છો? "

વિચાર આવ્યો  કે કદાચ ગુજરાતી ભાષા ના  સૌથી વધારે ફાળ પડાવતા આ  ચાર શબ્દો હશે

"હા બોલો"

" આપણે હવે નીકળવાના પંદર દિવસ જ  બાકી રહ્યા છે. આપણે જતા પહેલા  બધા વડીલોને મળી લેવું જોઈએ."

"કેમ, એ લોકો ક્યાં જવાના  છે? આવ્યા પછી તરત દિવાળી આવશે ત્યારે મળીશું જ ને"

શ્રીમતીજી એ દલીલ કરી કે એમના આશિર્વાદ લઈને જઈએ તો સારું। વળી, પાછા આવીએ ત્યારે હોય કે ના હોય એવું  ઉચાર્યુ માટે વિવાદને ખાસ સ્થાન નથી તે સમજી જઈને મેં હા પુરાવી।

"તમે નક્કી કરજો કે કોને કોને મળવા જવું છે એટલે આપણે રજા ના દિવસે જઈ આવીશું" એમ બોલતા તો બોલ્યો પણ આ મળવા જવાનું લિસ્ટ આટલું લાબું નીકળશે તેવી ખબર નહોતી। જયંતિ  કાકા ને કાકી, બચુમામા ને મામી, વ્હાલામાંમા ને મામી, વાસંતી ફોઈ ને ફુઆ.  અને સૌથી મોટા બાફોઈઆ લોકોને તો મલવુંજ જોઈએ અને એ બાજુ જતા હોઈએ તો મારા મામા અને મારી  બહેન પણ ત્યાં જ છે એટલે એક આંટો ત્યાં પણ મારતા આવીશું।

બીજો ખાસ ખ્યાલ આવ્યો કે અમદાવાદ હવે બહુ વધી ગયું છે. એક રહે  રાયપુર અને બીજા સેટેલાઇટ। એક ઇસનપુર ને બીજા વસ્ત્રાપુર। આટલા રિક્ષાના પૈસામાં તો અડધા પરદેશ પહોંચી જવાય એવું જરા ગણગણ્યું એટલે શ્રીમતીજી તાડૂક્યાં।

"શું બોલ્યા? કોઈને મળવા જવાનું આવે એટલે તરત પૈસા ગણશો। આમ ને આમ તો કોઈની જોડે સંબંધ જ ના રહે. એતો સારું છે કે હું મળી છું એટલે બધા વ્યવહાર સચવાય છે નહીંતર તમને ખબર પડત કે સંબંધ ના રાખો તો શું થાય."

મનમાં ને મનમાં વિચાર્યું કે એ વાત વિચારવા જેવી તો હતી પણ હવે થોડું મોડું થઇ ગયું છે.

ખેર છેવટે રવિવારે સર્વ વડીલોને પ્રણામ કરી આવ્યા. કોઈએ વણમાગી  સલાહ આપી કે જો જો સાચવીને બધું રાખજો। સાંભળ્યું છે કે ચોરી બહુ થાય છે. ખરીદીમાં ખાસ ધ્યાન રાખવું। છેતરાઈ જવાય છે. તબિયત ખાસ સાંભળજો। ત્યાં જો  માંદા  પડ્યા તો આવી બનશે। ડોક્ટરોના બિલ નો પાર જ નહિ આવે.

તો કોઈએ પ્રશ્નો ની ઝડી વરસાવી। કેમ અમેરિકા જવાનું નક્કી કર્યું? પાછા આવશો કે પછી ત્યાંજ? કોને કોને મળવાનો પ્લાન છે ?  એરપોર્ટ પાર કોણ લેવા આવશે? અમેરિકામાં ક્યાં ક્યાં ફરશો? ગરમ કપડાં બરાબર લીધા છે ને?

તો કોઈ એ  વળી  ખરીદીનું લિસ્ટ આપ્યું। મારા માટે કેસર ચોક્કસ લાવજો। અને ન્યૂયોર્ક માં એક દુકાન માં ખાસ મસાજ કરવાની ગાદી મળે છે તે લવાય તો લાવજો। છેવટે સાંજે ઘેર આવ્યા ત્યારે બદામ, કેસર, પિસ્તા થી માંડી ને સ્વેટર, કમ્પ્યુટર, અત્તર અને ચોકલેટ લિસ્ટ માં ઉમેરાતા ગયા. હવે  સમજ  પડી કે મોટી બેગો કેમ જોઈએ। શ્રીમતીજી ની લાંબી દ્રષ્ટિ ઉપર માન ઉપજ્યું।

બસ હવે થોડા દિવસમાં અમેરિકા જોવા મળશે તે વિચારોમાં ઊંઘ ક્યારે આવી ગઈ તે ખબર પણ ના પડી.




ગુરુવાર, 1 ડિસેમ્બર, 2016

હળવે હૈયે (4)

હળવે હૈયે (4)

થયું કે હાશ પાસપોર્ટ અને અમેરીકાન વિઝા મળી ગયા એટલે  થોડી શાંતિ. વિઝા મળ્યાની ખુશાલી માં પહેલા તો ધેર આવીને સરસ ગરમ ગરમ લસલસતી લાપસીનું જમણ આરોગ્યું. પણ હજી  માંડ લાપસી નો ઓડકાર ખાધો અને લંબાવ્યું ત્યાં તો જોરદાર પ્રશ્ન આવ્યોં.

"કહું છું?  તમે ટીકીટ ની તપાસ કરી?  અને  સાંભળો બીજું એ કે આપણે બેગો લેવા ક્યારે જઈશું?"

"કેમ, ઘર માં જે હોય તેમાંથી લઇ જઈશું હમણાં ચારધામ ગયા ત્યારે લીધી હતી તે"  મેં મારી બેદરકારીનું પ્રમાણપત્ર આપ્યું.

"શું વાત કરો છો?  આવી મોટી ચાર બેગો કઈ થોડી ઘર માં થી નીકળે?  અને દેખાય પણ કેવી? લોકો મુકવા આવે તે આપણી શું કદર કરે કે આવી બેગો લઈને અમેરિકા જતા હશે?"

"પણ આપણે ખાલી એક મહિના માટે જવું છે અને ચાર મોટી બેગો નું શું કામ?" ફરી વાર બાફ્યું.

"અરે તમે તો હજી એવા ને એવા જ રહ્યા. જોયું નહિ? આ સામેવાળા ગયા વર્ષે જઈ આવ્યા તો કેટલું બધું લેતા આવ્યા'તા? આપણે પણ થોડું શોપિંગ તો કરીશું જ ને? વળી ત્યાં બધા માટે અહીંથી થોડીક બધી ભેટ લેવી પડશે। એટલે બેગ તો મોટી જોઇશે "

"મને તો એમ હતું કે આપણે ખાલી ફરવા જઈએ છીએ. આપણા ઘરમાં તો  ઘર ભરી ને તો વસ્તુઓ છે. હવે શું લાવવાની જરૂર છે? આમતો તમે રોજ કહો છો કે હવે ઘરમાં બેસવાની જગ્યા પણ રહી નથી એટલો બધો સરસામાન થઇ ગયો છે"

આટલું બોલતા નો બોલી લીધું પણ તરત જ પસ્તાવો થયો. ખબર હતીકે આ ખોટું બાણ તાક્યું. હવે એનો સામનો કરવાની તૈયારી રાખ્યા વગર છૂટકો નથી.

માટે ધીરે રહીને વાત વાળી. પૂછ્યું:
" કાલે મારે ક્લાસ નથી તો કાલે બેગ લેવા જઈએ તો કેવું ?"

છેવટે બીજે દિવસે બપોરે બેગ લેવા જવું તેવું નક્કી કરી સુતા. વિચાર્યું, આ તો હજી પાશેર માં પહેલી પૂણી છે. જરા ઝોકું આવ્યું તો સપનામાં અમેરિકાની ગલીઓમાં મોટી બેગો લઈને લાંબુ લાંબુ ચાલતા હતા, શ્વાસ ચડ્યો હતો પણ ક્યાય બેસવાની જગ્યા નથી એવું દ્રશ્ય જોઇને ઝબકીને જાગી જવાયું.

બેગો તો જાણે બીજે દિવસે લઇ આવ્યા પણ પછી ખરીદી કઈ ત્યાંથી થોડી અટકે? ઠંડી ના કપડા લેવાનું બાજુવાળા એ સૂચવ્યું. ભલે ત્યાં ઉનાળો હોય પણ આપણને તો ઠંડી જ લાગવાની એવી સુચના પછી બે મોટા જાડા કોટ અને બે સ્વેટર લીધા. અડધી બેગ તો આમાં જ ભરાઈ જશે તે બીક કે ત્યાં ઠંડી માં ઠરી જઈશું તે બીક. કઈ બીક મોટી તે નક્કી કરવાનું કામ શ્રીમતીજી ને સોપ્યું. અધરું કામ હમેશા એમને સોપવાની ટેવ હાથવગી થઇ.

હવે આવ્યો કપડા નો વારો. કેટલા શર્ટ, કેવા શર્ટ, કેવા અને કેટલા પેન્ટ, આ ઉપરાંત ભારતીય પોશાક લેવો જોઈએ કે નહિ, વાદવિવાદ, સંવાદ, દિવસો ચાલ્યો. છેવટે કપડાંની બેગ તો જાણે ભરી પણ ભેટ સોગાદ શું લેવી, કેટલી લેવી, લેવી કે નહિ, થોડી સલાહ સૂચનો પછી નકકી થયું। અમેરિકામાં બધાને આપણું ખાવાનું બહુ ભાવે એટલે જાત જાતના ખાવાના પડિકાથી બેગ ભરાઈ ગઈ. અથાણાં, મરચા, સેવ, ગાંઠિયા, ખાખરા, મીઠાઈ વગેરેની  સુગંધો એકબીજા સાથે અથડાતી અથડાતી આખા ઘરના બધા ઓરડાઓમાં પણ બેગ ની હાજરી ની યાદ અપાવતી હતી. આ સુગંધોથી તરબતર અમેરિકાના સપના જોતા જોતા આંખો મીચાઈ ગઈ.