શુક્રવાર, 22 નવેમ્બર, 2019

નિખાલસતા

નિખાલસતા કેમ મરી પરવારી છે?

આજકાલ જાણે આપણા સમાજમાંથી નિખાલસતા મરી  પરવારી છે. પણ એ વિષે આપણે આગળ કઈ પણ વાત કરીએ તે પહેલા એક ચોખવટ જરૂરી છે. નિખાલસતા અને કટુ વાણી એ બે માં ફેર છે. કડવું સત્ય, જરૂરી કે બિનજરૂરી સમયે કહેતા રહેવું અને પોતાની જાતને સ્પષ્ટવક્તા કહેવડાવવા એ નિખાલસતા નથી. એ હકીકતમાં એક એવી કુટેવ છે કે જે બીજાના હૃદયમાં ભોંકાય છે અને એનું સારું કોઈ પરિણામ શક્ય નથી. કોઈના દેખાવ, પહેરવેશ, શારીરિક અક્ષમતા અથવા બિનઆવડત એ બધા ઉપર કહેવું તે કોઈ નિખાલસતા નથી. એ તો એક પ્રકારની ક્રૂરતા છે. અને આવી ક્રૂરતા આપણા સમાજમાં હાલત અને ચાલતા જોવા મળે છે.

કોઈના ઉપર સાચું કે ખોટું લગાડવાનું અને પછી એમને મોઢામોઢ કહેવું એ એક પ્રકારની નિખાલસતા તો છે પણ એ ક્યાં અને  કેવી રીતે  અને કેટલી યોગ્ય હતી તે તો પ્રસંગોચિત છે. એવી નિખાલસતાની પણ અહીંયા વાત નથી કરતા। હું તો એવી નિખાલસતાની વાત કરું છું કે જે ખરા સંબંધ માં પરિણમે અને સંબંધને વધારે સુદ્રઢ બનાવે। જે પારદર્શક હોય,જે સચોટ અને સરળ હોય. જે પ્રેમભાવ વધારે અને દંભ ઘટાડે। ખરેખર તો દંભ એ નિખાલસતાનો વિરોધી છે. એટલે જ્યાં દંભ હોય ત્યાં નિખાલસતાની કોઈ શક્યતા જ નથી. અને એજ અહીંયા કહેવાનું છે કે આજે આપણા સમાજમાં દંભ છલોછલ દેખાય છે.

નિખાલસ બનવું એટલે સરળ બનવું। જયારે તમારું અંતર અને તમારો વ્યવહાર - એટલેકે  અંદર અને બહાર સમરસતા હોય ત્યારે જીવનમાં સરળતા પ્રવેશે। સરળ માણસ સહજ હોય. આડંબર થી દૂર હોય. દંભ થી પર  હોય આજકાલ એવું લાગે કે જાણે કે સંબંધોમાં ઔપચારિકતા છે. વ્યવહાર, આશા,ઉપેક્ષા, ના ગૂંચવાડામાં આપણે જાણે સાચો, ઉર્મિસભર, નિખાલસ સંબંધ ઉભો કરવાનું ભૂલી ગયા છીએ. વ્યવહાર છે માટે કોઈની માંદગીમાં ખબર પૂછવા જવું, પ્રસંગ છે એટલે મોઢું બતાવી આવવું, લગ્નમાં કંકોત્રી આવી એટલે ભેટ મોકલવી આ બધામાંથી બહાર આવીએ તો દિલનો સંબંધ કેળવાય। પાડોશીને ત્યાં લગ્ન પ્રસંગ માટે ખરેખર અંતરનો ઉત્સાહ ક્યારે પ્રગટે?

નિખાલસતા ઓછી થવાનું એક કારણ એવું છેકે આપણે સાચી લાગણીઓને ટીકા બનાવી છે. વ્યવહાર સાચવવાની જવાબદારી હેઠળ દબાયેલી વ્યક્તિને ક્યારે અંતરની લાગણી બતાવવાની તક મળે? ખુલ્લા દિલે કરેલા એકરાર ને જો આપણે હાસ્યાસ્પદ બનાવી મૂકીએ તો કોને દિલ ખોલવાની ઈચ્છા થાય? નિખાલસતા માટેની પહેલી શરત એ છેકે સંવાદ ના બંને છેડે - બોલનાર અને સાંભળનાર - વચ્ચે વિશ્વાસ, સમજ  અને સહૃદયતા હોય. આપણે એ આપી શકીએ છીએ? એક તો આપણે પોતપોતાના જીવનમાં એવા ગૂંચવાયેલા હોઈએ છીએ અથવા તો આપણા સ્માર્ટ ફોનમાં આપણે એવા અટવાયેલા હોઈએ છીએ કે આપણી પાસે નજીકની વ્યક્તિઓને સાંભળવા કે સમજવા માટે સમય હોતો નથી. બીજું કે નિખાલસતા માટેની સહૃદયતા આપણે ધીરે ધીરે ગુમાવી રહ્યા છીએ.

કહેનાર માટે પણ આ એટલુંજ સાચું છે. નિખાલસતા માટે સરળતા અને સહૃદયતા આ બે ખુબ જરૂરી વાત આજના ઘોંઘાટિયા જીવનમાં ખોવાઈ ગઈ છે. પછી નિખાલસતા ખોવાય જ ને!







શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

ખરી સ્વતંત્રતા તો છે અમદાવાદમાં

ખરી સ્વતંત્રતા તો છે અમદાવાદમાં

ભલે અમેરિકા સ્વતંત્રતાનો ઝંડો આખી દુનિયામાં ફરકાવતો હોય પણ તમે જો અનુભવ કરો તો ખબર પડે કે જીવનમાં ખરી સ્વતંત્રતા તો અમદાવાદમાં જ છે. તમારી મનગમતી રીતે જીવવામાં અમદાવાદમાં કોઈ મુશ્કેલી નહિ। જેમ જીવવું હોય તેમ જીવો। છૂટ. જેમકે ચાલતા હો અને અડધે રસ્તે ઈચ્છા થાય, અથવા સામે કોઈ ઓળખીતું દેખાય અને રસ્તો ઓળંગવો હોય, વાહન ચલાવતા હો અને લાલ લાઈટ ની પરવા ના કરવી હોય, ખાલી લેંઘો પહેરીને પાડોશમાં છાપું લેવા જવું હોય, રસ્તામાં બરાબર ટ્રાફિકના સમયે વરઘોડો કાઢવો હોય, રસ્તા વચ્ચે ડાન્સ કરવો હોય બધી છૂટ. મોટેથી સંગીત વગાડવું છે? છૂટ. લાઉડ સ્પીકર માં અડધી રાત સુધી ગીતો વગાડવા છે? છૂટ. રસ્તામાં ઉભા ઉભા પાણી પુરી ખાવી છે? છૂટ. અરે, ગમે ત્યાં પાન ખાઈને થુંકવું છે? છૂટ. નીચે સરકતી સીડી માં ઉપર જવું છે? છૂટ. રસ્તાની વચોવચ ક્રિકેટ રમો  કે ફટાકડા ફોડો। બધ્ધી છૂટ.
નાગરિકતાના કે માનવતાના સર્વ સામાન્ય નિયમો મૂકીને જીવવું હોય તો છૂટ.

પણ આ તો હજી ખાલી શરૂઆત છે.

ઓટલે બેસીને દાતણ કરો. બહાર રસ્તા ઉપર કપડાં ધુઓ, અરે રેલગાડીના પાટા ઉપર સંડાસ કરો કે રસ્તા ઉપર ખૂણામાં કોઈ વાંધો નહિ.ના તમને કોઈ ટોકે કે ના રોકે। ગાડીમાંથી  ઉતર્યા વગર બેઠા બેઠા શાકભાજી ખરીદવા છે કે ચાલતી ગાડીમાંથી બહાર કચરો ફેકવો છે. શાંતિથી કરી શકો છો. તમને કોઈ કઈ નહિ બોલે।બોલો હવે આવી સ્વતંત્રતા બીજે ક્યાં મળે? બીજે ક્યાંય પણ નહિ. બસમાં કે ટ્રેનમાં મૉટે મૉટે થી તમારા ફોન ઉપર ઘાંટા  પાડીને ધંધો ચલાવાય। સ્કૂટર ઉપર પાંચ સવારી થાય.  

રસ્તામાં એક્સીડેન્ટ થયો હોય અને કોઈ મરવાની અણી પર  હોય પણ તમે ત્યાંથી શાંતિથી ચાલી જાઓ તો કાંઈ વાંધો નહિ. ના કોઈ ટીકા કરશે કે ના કોઈ રોકશે। (ખરેખર, તો 'બરાબર કર્યું। આ જમાનામાં ખાલી લફરામાં ફસાવું નહિ" એવું કહેનારા ઘણા મળશે।) પાડોશી ના ઝગડો ચાલે છે? જો જો અંદર ના પડશો। બહારથી જોવામાં મઝા અને સલામતી છે.

કોઈને તેમના દેખાવ વિષે, કેટલા જાડા કે પાતળા થઇ ગયા કે કેટલા પૈસા કમાય છે તે પૂછવાની કે કહેવાની  પુરી સ્વતંત્રતા।  અરે, કોઈએ ક્યારે લગ્નઃ કરવા જોઈકે, ક્યારે પહેલું બાળક હોવું જોઈએ, ક્યારે બીજું, આ સર્વે કહેવાની  - સલાહ આપવાની - છૂટ. "ચાર વર્ષ લગ્ન ને થઇ ગયા અને કઈ સારા સમાચાર કેમ નથી" એવું તમને રસ્તાની વચ્ચો વચ્ચ પણ પૂછી શકાય। નવી નોકરી મળી? કેટલો પગાર આપે છે? મારા ભાઈબંધ ના દીકરા ને તો લગભગ ડબલ મળ્યો બોલો! (તમારો નવી નોકરી નો બધો આનંદ ગયો!) સલાહ સૂચન નો ઢગલો પણ સામેનાની ક્ષમતા જોયા વગર કરી શકાય।


 
બોલોહવે માનો છોને કે ખરી સ્વતંત્રતા તો તમને અમદાવાદમાં જ મળે?

મીનળ