શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

ખરી સ્વતંત્રતા તો છે અમદાવાદમાં

ખરી સ્વતંત્રતા તો છે અમદાવાદમાં

ભલે અમેરિકા સ્વતંત્રતાનો ઝંડો આખી દુનિયામાં ફરકાવતો હોય પણ તમે જો અનુભવ કરો તો ખબર પડે કે જીવનમાં ખરી સ્વતંત્રતા તો અમદાવાદમાં જ છે. તમારી મનગમતી રીતે જીવવામાં અમદાવાદમાં કોઈ મુશ્કેલી નહિ। જેમ જીવવું હોય તેમ જીવો। છૂટ. જેમકે ચાલતા હો અને અડધે રસ્તે ઈચ્છા થાય, અથવા સામે કોઈ ઓળખીતું દેખાય અને રસ્તો ઓળંગવો હોય, વાહન ચલાવતા હો અને લાલ લાઈટ ની પરવા ના કરવી હોય, ખાલી લેંઘો પહેરીને પાડોશમાં છાપું લેવા જવું હોય, રસ્તામાં બરાબર ટ્રાફિકના સમયે વરઘોડો કાઢવો હોય, રસ્તા વચ્ચે ડાન્સ કરવો હોય બધી છૂટ. મોટેથી સંગીત વગાડવું છે? છૂટ. લાઉડ સ્પીકર માં અડધી રાત સુધી ગીતો વગાડવા છે? છૂટ. રસ્તામાં ઉભા ઉભા પાણી પુરી ખાવી છે? છૂટ. અરે, ગમે ત્યાં પાન ખાઈને થુંકવું છે? છૂટ. નીચે સરકતી સીડી માં ઉપર જવું છે? છૂટ. રસ્તાની વચોવચ ક્રિકેટ રમો  કે ફટાકડા ફોડો। બધ્ધી છૂટ.
નાગરિકતાના કે માનવતાના સર્વ સામાન્ય નિયમો મૂકીને જીવવું હોય તો છૂટ.

પણ આ તો હજી ખાલી શરૂઆત છે.

ઓટલે બેસીને દાતણ કરો. બહાર રસ્તા ઉપર કપડાં ધુઓ, અરે રેલગાડીના પાટા ઉપર સંડાસ કરો કે રસ્તા ઉપર ખૂણામાં કોઈ વાંધો નહિ.ના તમને કોઈ ટોકે કે ના રોકે। ગાડીમાંથી  ઉતર્યા વગર બેઠા બેઠા શાકભાજી ખરીદવા છે કે ચાલતી ગાડીમાંથી બહાર કચરો ફેકવો છે. શાંતિથી કરી શકો છો. તમને કોઈ કઈ નહિ બોલે।બોલો હવે આવી સ્વતંત્રતા બીજે ક્યાં મળે? બીજે ક્યાંય પણ નહિ. બસમાં કે ટ્રેનમાં મૉટે મૉટે થી તમારા ફોન ઉપર ઘાંટા  પાડીને ધંધો ચલાવાય। સ્કૂટર ઉપર પાંચ સવારી થાય.  

રસ્તામાં એક્સીડેન્ટ થયો હોય અને કોઈ મરવાની અણી પર  હોય પણ તમે ત્યાંથી શાંતિથી ચાલી જાઓ તો કાંઈ વાંધો નહિ. ના કોઈ ટીકા કરશે કે ના કોઈ રોકશે। (ખરેખર, તો 'બરાબર કર્યું। આ જમાનામાં ખાલી લફરામાં ફસાવું નહિ" એવું કહેનારા ઘણા મળશે।) પાડોશી ના ઝગડો ચાલે છે? જો જો અંદર ના પડશો। બહારથી જોવામાં મઝા અને સલામતી છે.

કોઈને તેમના દેખાવ વિષે, કેટલા જાડા કે પાતળા થઇ ગયા કે કેટલા પૈસા કમાય છે તે પૂછવાની કે કહેવાની  પુરી સ્વતંત્રતા।  અરે, કોઈએ ક્યારે લગ્નઃ કરવા જોઈકે, ક્યારે પહેલું બાળક હોવું જોઈએ, ક્યારે બીજું, આ સર્વે કહેવાની  - સલાહ આપવાની - છૂટ. "ચાર વર્ષ લગ્ન ને થઇ ગયા અને કઈ સારા સમાચાર કેમ નથી" એવું તમને રસ્તાની વચ્ચો વચ્ચ પણ પૂછી શકાય। નવી નોકરી મળી? કેટલો પગાર આપે છે? મારા ભાઈબંધ ના દીકરા ને તો લગભગ ડબલ મળ્યો બોલો! (તમારો નવી નોકરી નો બધો આનંદ ગયો!) સલાહ સૂચન નો ઢગલો પણ સામેનાની ક્ષમતા જોયા વગર કરી શકાય।


 
બોલોહવે માનો છોને કે ખરી સ્વતંત્રતા તો તમને અમદાવાદમાં જ મળે?

મીનળ








1 ટિપ્પણી:

  1. હા હા....અમેરિકામાં હોવા છતાં અમદાબાદ ને ભુલી નથી નહીં? જોકે ભુલાય જ કેમ? જ્યાં બાળપણ જ વીત્યું હોય?

    જવાબ આપોકાઢી નાખો