સોમવાર, 31 ઑગસ્ટ, 2015

હળવે હૈયે (2)

હળવે હૈયે (2)

કંઈક શ્રીમતીજી નો આગ્રહ, કંઈક મારી પોતાની અંતર ઈચ્છા, અને કંઈક ગુજરાતી સાહિત્ય સાથે નો મારો વર્ષો જુનો સંબંધ એટલે આવતા ઉનાળામાં અમેરિકા ફરી આવવું એવું ધીરે ધીરે વિચારમાં થી આચારમાં પરિવર્તન થવા માંડ્યું. એવું કહ્યું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત હમેશા એક વિચારથી થાય છે અને માટે સારા વિચારોજ કરવા જોઈએ। ધર્મગુરુઓથી માંડીને વડીલો સુધી બધા આ  સલાહ આપતા હોય છે. એ સલાહ કહેવામાં તો સારી છે પણ કરવામાં કેટલી મુશ્કેલ છે એ વાત વળી ફરી કોઈ વાર. પણ મારા અને શ્રીમતીજી ના વાર્તાલાપ પછી જયારે મેં જોયું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ના આમંત્રણ થી અમેરિકા જવાનું બને તેમ છે એટલે  તૈયારીઓ કરી ચાલુ.

આજુબાજુ તપાસ ચાલુ કરી કે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ.  જેવી રીતે આપણને કોઈ નાનકડી બીમારી આવે અને દરેક ઓળખીતો doctor બની ને સલાહ આપે જ આપે તેવું અમેરિકા ની બાબતમાં પણ બનશે તેવો ખ્યાલ નહોતો. કૈક નવો અનુભવ ચાલુ થયો. પટાવાળાથી માંડીને પાનવાળા સુધી બધા પાસે કંઈ  ને કંઈ  વાર્તા, કંઈ  ને કંઈ સલાહ, અને કંઈ ને કંઈ ચેતવણી મળવા માંડી.  "જો જો હો પાસપોર્ટ ની તો બહુ વાર લાગે છે. અમારા સાહેબને તો છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડેલી। એ તો સારું થયું કે છેવટે આવી ગયો નહીતર આખી ટ્રીપ કેન્સલ કરવી પડત."

"અમેરીકન વિઝા માટે તો એવી લાંબી લાઈનો થાય છે કે મારા જેવા તો જવાનો વિચાર જ માંડી વાળે" એક વડીલ ઉચર્યા। "એરપોર્ટ ઉપર આપણું બધું ફેકાંવી દેશે જો જો ને. મારો ભાણિયો હમણાં ગયો તો બધા શાકભાજી ફેકી દેવા પડ્યા".  શાકભાજી નહિ લઇ જવાની ચોક્ખી સુચના પછી પણ એમનો ભાણિયો કેમ લઇ ગયો હતો તેવો પ્રશ્ન અસ્થાને લાગે તેમ સમજી ને પૂછવાનો વિચાર માંડી વાળ્યો. "ઈમિગ્રેશનવાળા આપણા લોકોને બહુ હેરાન કરે છે" ત્રીજા બોલ્યા.આ બધું સાંભળ્યા પછી થોડી હિમત તો ઘટી પણ ડગલું ભર્યું કે ના હટવું એ કવિતા યાદ કરીને તૈયારી જારી રાખી.

પાસપોર્ટ કઢાવવા માટે સૌથી પહેલા તો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો એનું પ્રમાણપત્ર જોઇશે એવી માહિતી મળી. હવે આટલા વર્ષે એ ક્યાં શોધવું? છેલ્લું કયારે જોયું હતું એની શોધ ચાલી. આખું ઘર ઉથલાવ્યું. ના જોઈતી બધી વસ્તુઓ મળી. કેટલી ઉમેદવાર છોકરીઓના ફોટા કબાટના ખૂણામાંથી નીકળ્યા. ઓહો કેટલા વર્ષો પહેલાની બધી સંઘરેલી સ્મૃતિઓ ફૂટી નીકળી. કેટલી અજાણી જન્મ્પત્રીકાઓ નીકળી. જનોઈ નો દોરો, બા અને બાપુજીનો સાથે પાડેલો ફોટો, ડીગ્રી ના સર્ટિફિકેટ, રેશમી પટ્ટીમાં બાંધેલા જુના કાગળો, બધું મળ્યું પણ બર્થ સર્ટિફિકેટ ના મળ્યું તે ના જ મળ્યું. હવે?

શ્રીમતીજી નું કહ્યું છેવટે માન્યું અને મોટા કાકી ને મળવા ઊપડ્યા. પહેલા તો કાકીશ્રી એવો ઉધડો લીધો "આટલા વર્ષે આજે કાકી ક્યાંથી યાદ આવ્યા. કેટલા વર્ષોથી દિવાળીમાં પણ આવતો  નથી. કંઈ કામ હશે એટલે કાકી યાદ આવ્યા હશે." નતમસ્તકે બધું સાંભળી લીધું. એક કલાક જૂની પુરાણી વાતો તેમણે કરી તે શાંતિથી સાંભળી અને આટલા વર્ષોથી નહિ આવવાની સજા ભોગવીને છેવટે તેમની પાસેથી હોસ્પિટલ નું નામ મેળવ્યું. ફરી જલ્દી આવવાની ખાતરી આપીને નીકળ્યો.

હવે વિચાર કર્યો કે એ હોસ્પિટલ માં કોને ઓળખીએ છીએ. નાનપણથી બાપુજી કહેતા કે "ઓળખાણ એ મોટી ખાણ છે"  તે સાચું લાગ્યું। એક મિત્રના ભાઈના ભાઈબંધ ની પત્ની ના પિતાની ઓળખાણ કાઢીને જન્મનું પ્રમાણ મેળવ્યું. આખો ને આખો હું હાજર હોઉં તોય કેમ મારા જન્મનું પ્રમાણ જોઈએ તે તો મને હજી પણ સમજાતું નથી. પણ આવા બધા પ્રશ્નો નહિ કરવાનું ડહાપણ તો જરૂર સમજાયું છે. માટે આપણે તો ચુપચાપ પ્રમાણપત્ર લઈને હરખાઈને ઘેર આવ્યા. શ્રીમતીજી એ ખુશાલી તો વ્યકત કરી પણ તેની સાથે યાદ કરાવ્યું કે જયારે જયારે હું તેમનું સાંભળું ત્યારેજ મારું કામ થાય છે. ચાલો એક કામ તો પત્યું તેનો સંતોષ માનીને શ્રીમતીજી નું આ વાકબાણ અને ચાનો ઘુંટડો બંને ગળે ઉતાર્યા.

હવે કાલે પાસપોર્ટ ની ઓફિસે જવાનો નિર્ણય લઈને આજે તો શાંતિથી નીદ્રાદેવી  ને શરણે જવાની તૈયારી ચાલુ કરી.


મિનલ પંડયા




શુક્રવાર, 28 જૂન, 2013

હળવે હૈયે

હળવે હૈયે 


એકવાર રવિવારની સાંજે બેઠા બેઠા ચ્હા પીતા હતા ત્યાં શ્રીમતીજીએ વાત છેડી, કહે, " સાંભળ્યું? આ સામેવાળા સરલાબેન અને કાન્તીભાઈ આવતા મહીને અમેરિકા ફરવા જવાના છે . બાજુવાળા કાંતાબેન અને રસિકભાઈ તો ફરીને પાછા પણ આવી ગયા". છાપામાંથી નજર બહાર કાઢ્યા વગર મેં હુકારો ભણ્યો પણ એમ કઈ શ્રીમતીજી માને? એમણે મમરો મુક્યો, "આ તમે આટલા વર્ષોથી પ્રોફેસોરગીરી કરો છો તો કંઈ  cornference કે એવું કશું તમારાથી શોધાતું નથી? આમતો ઘણીવાર મારી આગળ ડહાપણ મારો છો કે મારે તો  આમ ઓળખાણ ને તેમ ઓળખાણ તો એક મહિનાની અમેરિકાની ટ્રીપ તમારાથી ગોઠવતી નથી?"  આમ મારા અહંકાર પર ઘા કાર્ય પછી જાણે શિતલ મલમ લગાવતા હોય તેમ ઉમેર્યું " બધા લોકો અમેરિકાની  વાતો કરે અને મારે તો સંભાળવાની જ ને? "

હવે મને ખબર પડી ગઈ કે છાપામાં મ્હો નાખીને આ વાત ઉડાડાય તેમ નથી એટલે છાપું બાજુ પર મૂકી લૂલો બચાવ કર્યો, " એમ તો કાઈ અમેરિકા જવાનું સહેલું છે? વળી ખર્ચાનો પણ વિચાર કરવાનો ને?" જોકે પાછલા બે દાયકાના અનુભવથી એક વાત તો હું જરૂર શીખેલો કે એકવાર શ્રીમતીજી ના દિલમાં તુક્કો આવ્યો એટલે હવે અમલમાં મુક્યા વગર છૂટકો નહિ થાય ઉપરાંત મને પણ થોડા ઘણા અંશે ઈચ્છા તો ખરી જ!  એમ વિચાર ચાલતો હતો ત્યાં તો બીજું કટાક્ષબાણ આવ્યું, "તમારી તો  ઘણીયે વિદ્યાર્થીનીઓ ના કાગળ આવે છે એમાંથી એકને પણ લખશો તો ખુશ થઈને પ્રવાસ ગોઠવી આપશે" શ્રીમતીજીનો મારી વિદ્યાર્થીનીઓ ઉપરનો જુગ જુનો સમભાવ પ્રગતિ આવ્યો

તાત્કાલિક ચ્હાનો અડધો કપ બાજુ પર મૂકી આપણે તો જુના સરનામાની ડાયરી ઉથલાવવા માંડી નહિ નહિ તો 50-75 વિદ્યાર્થીઓ અમેરિકામાં સ્થાયી થયાની નોંધ મળી "ભણ્યા પછી ને પરણ્યા પછી ભારત છોડવાની ફેશન થઇ ગઈ છે કે શું" મનમાં બબડ્યો

શ્રીમતીજીએ છેવટે રાહતનો દમ ખેચ્યો છે તે તો મોઢા પરથીજ કળાતું હતું "હવે મારું કામ પતી ગયું" એવો કઈક  ભાવ લાવીને ચ્હા નો કપ પકડી રસોડા તરફ ચાલતા થયા

બીજે દિવસે તપાસ કરી તો ખબર પડી કે સૌથી જલ્દી વિસા તો ભગવા વસ્ત્રધારી સાધુ સન્યાસીને જ મળે છે! આ પણ ગજ્જબ! વિચાર્યું, "સંન્યાસીઓને ભગવાનને ઘેર પ્રેફેર્ન્કિઅલ treatment મળે એ તો સમજ્યા, પણ અમેરિકામાં પણ?"  જિંદગીમાં ફરી એકવાર ભગવા નહિ ધારણ કરવા માટે અફસોસ થયો।

આપણા ગ્રહો અમેરિકા તરફ ખેચતા હોય કે પછી શ્રીમતીજીની પ્રાર્થના ભગવાને સાંભળી હોય, ગમે તેમ પણ કોલેજમાં આવેલી ટપાલ ઉથલાવતા ખબર પડી કે આવતા વર્ષે ન્યુયોર્ક માં ગુજરાતી સાહિત્ય સંમેલન ઉજવવાનું છે અને એનું આમત્રણ આવ્યું છે। એકદમ ઝબકારો થયો કે જોગાનુજોગ પણ જુઓ ઓલમ્પિક પણ આવતા વર્ષે છે। હવે તો તૈયારી કરે જ છૂટકો।

તે દિવસે સમાચાર લઈને ઘેર આવ્યો પછી સાંજે શ્રીમતીજી ને મેં પાડોશીને કહેતા સાંભળ્યા, "આ તમારા ભાઈને વળી આજકાલ અમેરિકા જવાનું ચક્કર લાગ્યું છે મેં તો કહ્યું કે હવે અમેરિકા જ છેને! આપને અહિયાં શું ખોટું છે? બહુ ઈચ્છા હોય તો ચાલો જાત્રા કરવા જઈએ પણ માને તો ને?"

નારીજાતના રહસ્યની કોઈ સીમા હશે કે નહિ તે વિચાર કરતા કરતા આંખ ક્યારે મીચાઈ ગઈ તે ખબર પણ ના પડી।


મિનલ પંડ્યા








મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2012

સુખ નામનો દેશ: અમેરિકા

સુખ નામનો દેશ: અમેરિકા

સુખ અને દુખ એતો મનનું કારણ છે. પણ અમેરિકાએ  સુખનો દેશ છે એ કહેવા કરતા એ કહેવું યોગ્ય છે કે અમેરિકા શક્યતાઓનો દેશ છે. અહીંયા વ્યક્તિગત વિકાસ માટે અથવા અધોગતિ માટે અસંખ્ય શક્યતાઓ છે. ભૌતિક સંપત્તિ હોય, આર્થિક વિકાસ હોય કે પછી આંતરરાષ્ટ્રીય સમજ હોય, અમેરિકામાં  શક્યતાઓ અનેક  છે. હવે આ શક્યાતોમાંથી કેટલો લાભ લેવો તે દરેક વ્યક્તિની પોતાની શક્તિ, સમજ, સંસ્કાર, ઉત્સાહ  અને આવડત ઉપર આધારિત છે.

હું જો પાછું વાળીને જોઉં તો છેલ્લા ત્રણ દાયકાઓમાં મને અમેરિકામાં જે શીખવા, જોવા, સમજવા મળ્યું અને એનાથી જે ઘડતર થયું તે અમૂલ્ય છે. કુટુંબના હુંફાળા વાતાવરણમાંથી બહાર નીકળીને પોતાની જાતને ઓળખવાનો જે લ્હાવો છે તે મને અહિયાં મળ્યો. ભારત માં કદાચ ઘણોજ જુદો અનુભવ થયો હોત. આ ઉપરાંત મેં જોયું છે કે જીવનમાં જયારે જયારે પણ  વળાંક આવ્યા ત્યારે ત્યારે નવા પ્રયત્નો કરવાની શક્યતઆ ઓ મને અમેરિકામાં  મળી છે.

અમેરિકા માં આવીને શરુઆતમાંજ કારકિર્દીને જુદી દિશા આપવાનો મોકો મળ્યો અને કારકિર્દીને પ્રોત્સાહિત કરતુ વાતાવરણ પણ મળ્યું કે જેમાં આવડત, ધગશ, અને હોશિયારી પ્રમાણે આકાશ પણ  આંબી શકાય તેવી શક્યતા મળી. ત્યારપછી બાળકોના જન્મની સાથે સાથે પણ આગળ ભણવાની શક્યતા મળી જે કદાચ ભારતમાં શક્ય નાં બનત. ત્યારપછી બની  બનાવેલી કારકિર્દીને છોડીને બાળ ઉછેરની સાથે સાથે કૈક નવું કરવાની ભાવના સાથે મારો પોતાનો પ્રકાશન નો ધંધો કરવાની શક્યતા મળી કે જેમાં ઘણા પુસ્તકો લખી અને પ્રકાશિત કરવાનો મોકો મળ્યો.

બાળકો મોટા થયા પછી ફરીથી કારકિર્દીમાં પગલા માંડવાની પણ શક્યતાઓ મળી છે.   હવે આ બધી તકોનો કેટલો અને ક્યારે ઉપયોગ કરવો તે દરેકની  રૂચી અને શક્તિ ઉપર નિર્ધારિત છે. પણ અમેરિકામાં આ બધું વધારે શક્ય બન્યું છે તે તો સાવ સાચું છે.

તેવીજ રીતે નવું વાતાવરણ મળ્યું એટલે જૂની ટેવો અને રૂઢિઓને માટે સમજ કેળવવાની જરૂર પડી. જેમ કે  ભારતમાં રહીને શાકાહારી રહેવો તે સહજ હતું પણ અહી આવ્યા પછી સમજીને શાકાહારી રેહવું તે પસંદગી હતી અને કરી.  એવી જ રીતે દરેક માન્યતાને સમજીને અપનાવવાનો મોકો પણ અમેરિકામાં જ મળ્યો. જિંદગી જીવવા માટે એક સમજ કેળવીને દરેક તબ્બકે યોગ્ય અને અયોગ્ય વચ્ચે પસંદગી કરવી કે જેમાં સમાજના બંધનો અને જીવવાના નિયમોનું માપદંડ નાં હોય એ રીતે જીવવાની શક્યતો પણ અહીયાજ મળી

માટે અમેરિકા એ મારી દ્રષ્ટીએ તો અનેકાનેક શક્યતાઓનો દેશ છે.