મંગળવાર, 28 જૂન, 2016

નવું અમદાવાદ - જૂની નજરે

Image result for amdavadનવું અમદાવાદ - જૂની  નજરે 

જેવી રીતે આપણા માતા પિતા સાથે નો આપણો સંબંધ આપણે જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ બદલાતો હોય છે તેવું જ કૈક આપણો, બિન રહેવાસી ભારતીયોનો, આપણી માતૃભૂમિ સાથેના  સંબંધનું  હોય છે.  માતા પિતા માટે નાનપણ માં બસ અનહદ પ્યાર, લાગણી અને આદર અને એ  જ આપણી દુનિયા.  ધીરે ધીરે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ જરા દ્રષ્ટિ બદલાય. માતા પિતામાં થોડી ઉણપો દેખાય. પછી જરા ઊંચા દરજ્જા પામતા થઈએ તેમ તેમ તેમને નવી નજરે જોતા થઈએ. થોડી વધારે ખોડ ખાપણ, ટીકા અને સુચન ઉમેરાય. પણ ત્યાર પછી એક ઉંમર એવી આવે કે એમનું ડાહપણ, એમનો પ્રેમ, એમણે કરેલો ત્યાગ એ બધું સમજાય.અને એમનું સાચું મૂલ્યાંકન થાય.

કંઈક  તેવી જ રીતે બિન રહેવાસીઓ પણ જયારે સૌ પ્રથમ  દેશ  છોડે ત્યારે દેશપ્રેમ દિલ માં  ભરપુર હોય. અમેરિકાનું બધું ખટકે। પછી ધીરે ધીરે જેમ જેમ નવા દેશનો સહેવાસ વધે તેમ તેમ માતૃભૂમિ માટે ટીકા ટિપ્પણ અને સલાહ નો મારો ચલાવે. થોડા વર્ષો પછી પાછું જયારે જીવન ચક્ર બદલાય અને જયારે પચાસી વટાવીને આ બધું જુદી નજરે નિહાળે ત્યારે પાછુ ભારત નું ઘણું સારું લાગવા માડે. તેની સંસ્કૃતિમાં રહેલું ડહાપણ સમજાય।

બસ આવુજ કૈક મારું પણ થયું.

ચાલીસ વર્ષ પહેલા જયારે ભારત છોડ્યું ત્યારેતો બસ એકલો પ્રેમ નીતરતો સંબંધ. પછી જેમ જેમ પરદેશ કોઠે પડતું ગયું તેમ ધીરે ધીરે થોડી ટીકા ટિપ્પણ ભળી. લાગણીઓનું અંતર થોડું વધ્યું, ટેવો થોડી બદલાઈ, શરીર થોડું વિકસ્યું, પણ તોયે અખૂટ પ્રેમ નું  ખેચાણ તો ખરુજ. કદાચ આને જ અર્ધદગ્ધ સ્થિતિ કહેવાતી હશે. ત્યાર પછી જેમ ઉમર વધી, બાળકો ઉછર્યા અને પોતાના વ્યવસાયમાં લાગ્યા તેમ પાછું માતૃભૂમિનું લોહી જોર કરવા લાગ્યું. ફરી ફરી ને ત્યાં લાંબો સમય રહેવાની લાલસા જાગી.
.
એટલે જ  અમારી આ વખતની ભારતની ટ્રીપ જરા જુદી હતી.  છેલ્લા ચાલીસ વર્ષથી ભારત ની બહાર રહ્યા પછી આ વખતે પહેલી વાર ત્યાં ઘર કરવાના ઓરતા પુરા થવાના હતા. થોડીક આતુરતા, થોડીક ચિંતા, અને થોડીક અધીરાઈ બધું ભેગું. બદલાયેલા ભારતની નવી તસ્વીર જોવાની હતી. જોકે આમ તો અમે અવારનવાર નાની અને ટૂંકી ટ્રીપ કરતા હતા એટલે થોડો અણસાર તો હતો પણ એ બધી ટ્રીપ ટૂંકી કે જેમાં ઘરની મહેમાનગતિ માણીને બે અઠવાડિયા માં પરત. એટલે બધી ખબર અછડતી. પરદેશ માં રહેતા ભારતીય મિત્રો સાથે જે અવારનવાર વાતચીત માં ચિત્ર ઉપસતું તે પણ અડધું પડધું એટલે સ્વાનુભવની ઈચ્છા સાથે ત્રણ મહિના માટે ભારત જવાનું ગોઠવ્યું।

લગભગ પહેલા દિવસથી જ અમદાવાદ ચાલીસ વર્ષમાં કેટલું બદલાયું છે તે હર પળ સમજાતું હતું દેખાતું હતું. ક્યાં મારા બાળપણ નું અમદાવાદ કે જેમાં બહુમાળી મકાન ફક્ત  સાત માળનું હતું, જ્યાં ચોસઠ મિલો ના ભૂંગળા વહેલી સવાર ની બાંગ પોકારતા. જ્યાં સાયકલ ઉપર ટીફીનના ડબ્બા લટકાવીને મિલ મજુરો ટીનટીન ઘંટડી વગાડતા જોવા મળતા.

 મારા જાણીતા અમદાવાદમાં શહેરનો  વિસ્તાર બાર દરવાજાની અંદર હતો, ખરીદી કરવા કે, ફિલમ જોવા, બહાર જમવા કે સગા વ્હાલાને મળવા અમે શહેરમાં જતા. સાબરમતી નદી ની ઉપર ફક્ત ત્રણ પુલ જે અમને બહારના વિસ્તારમાં લઈ જતા, સાબરમતી માં પાણી ખાલી ચોમાસામાં જ જોવા મળતું એટલે નદીના પટમાં સર્કસ ના તંબુ નંખાતા। આ અમદાવાદ માં ખાનગી વાહનો ઓછા અને બસો વધારે હતી., જ્યાં હવા થોડી શુદ્ધ, અને પાણી ની તંગી કાયમ હતી. આ અમદાવાદ નાનુ હતું, જાણીતું હતું, પરિચિત હતું. અને મારે તો હૈયે વળગેલું હતું.

મને યાદ છે કે ચિક્કાર બસોમાં પણ આનંદથી શહેરના એક છેડે થી બીજે છેડે જતા. પણ આજનું અમદાવાદ તો એટલું વિકસ્યું છે કે જાણે એનો છેડો જ નથી દેખાતો. જેટલું પહોળું થયું છે તેટલું જ ઊંચું પણ થયું છે. મિલોના ભૂંગળા ને બદલે મોટરોના ભૂંગળા હવા ભરી દે છે. જુના અમદાવાદમાં ગાડીઓ ભાગ્યેજ દેખાતી પણ આજના અમદાવાદ માં કહેવાય છે કે જેટલા બેડરૂમ તેટલી ગાડીઓ થઇ ગઈ છે. રીક્ષા અને હવે તો ઓલા ની ટેક્ષી થી રસ્તા ભરપુર. ગુજરાતી ભાષા એ અમદાવાદનો પરિચય હતો પણ આજે તો કોઈ બોલે ગુજરાતી તો કોઈ મરાઠી, કોઈ બેંગોલી તો કોઈ મદ્રાસી. હોટલો અને રસ્તા ઉપર જાત જાતની ભાષા સંભળાય।

આજના અમદાવાદમાં ચકલીઓ ની ચીંચીં નથી પણ હોર્ન ની ભોંભોં છે. જ્યાં ઘર ઘર માં થી વિવિધ ભારતી ના સુરો નથી સંભળાતા પણ ટીવી ના સંવાદો સંભળાય છે. જ્યાં યુવાનો transistor રેડીઓ લઈને નથી ફરતા પણ કાન માં વાયર નાખીને મનગમતું સંગીત સાંભળે છે. જ્યાં બસોમાં કોઈ એકબીજા સાથે વાતો કરીને ઓળખાણ નો દોરો નથી બાંધતા પણ ફોન ના મિત્રો સાથે ગપસપ કરે છે.

જયારે મેં અમદાવાદ છોડ્યું ત્યારે  મને યાદ છે કે બસ બે હોટલ - હેવમોર અને પુરોહિત - હતી જ્યાં તેમના ઠંડા ફેમીલી રૂમ માં ગરમ સમોસા માણવાની મઝા જ્યારે  મળતી ત્યારે આખું અઠવાડિયું એ આનંદનો અનુભવ રહેતો।. આજના અમદાવાદ માં બહાર જમવાના સ્થળો નિત નવીન. જો કે ફેમીલી રૂમ ગાયબ પણ ભાતભાતની વાનગીઓનો ચટાકો મળે છે. ચાઇનીઝ, પીઝા, સિઝલર, ગુજરાતી થાળી, જે જોઈએ તે તૈયાર. યુવાનો પોતપોતાના વાહન માં રસ્તે ઉભા રહી ને પણ ભાજીપાંવ કે મસ્કા બન ની મેગી કે બર્ગર ની મહેફિલ માણે છે.

પણ હજી ઘણું બધું અમદાવાદ અકબંધ પણ રહ્યું  છે. ગાંધી રોડ નો ચંપલવાળો અને પ્લાસ્ટિકની થેલીઓ લટકતી ઘરવખરીની દુકાન વાળો, કાલુપુર સ્ટેશન ની ભીડ, માણેકચોક ની સોના ચાંદી ની દુકાનો, નદી ના પટ પર હરાજી નો સમાન  બધું હજી જુના અમદાવાદ ની ઓળખ આપે છે.  જૂનું અને નવું અમદાવાદ એકબીજા સાથે શાંતિ થી જીવતું જોવા મળે છે. જૂનું બદલ્યા કે છોડ્યા વગર નવું અપનાવું એ અમદાવાદ ની એક ખાસ ખાસિયત છે.

આ નવા-જુના  અમદાવાદમાં અમારું આગમન થયું।  હવે આવી ગયા પછી ની કથા આવતા હપ્તે।

મિનલ પંડયા

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

ખીચડી કઢી નું જમણ



ખીચડી કઢી નું જમણ


તમે કોઈ દિવસ આ જોયું છે? પચાસી વટાવી ગયેલા આઠ દસ બહેનો જમણવાર માટે ટેબલ ઊપર બેસે અને વાતચીતનો - ના, લડવાનો - મુદ્દો આ કે કઢી ખાટી હોવી જોઈએકે ગળી?  અમેરીકામાં આપણા  એક પરિવારમાં આવું એકવાર બન્યું। આમ તો આ બધા બહેનો ભણેલા ગણેલાં, ઘર ચલાવવા થી માડી ને દેશ ચલાવી શકે તેટલા હોશિયાર. એમાંના થોડા તો દાદીમાં બની ચુકેલા અને ઘણા ખરા સાસુ તો ખરા  . પણ થયું એવું કે બનાવનાર બે'નેખાટી (બિલકુલ ખાંડ વગરની) કઢી  બનાવી કારણ કે એમને એવી જ ભાવે અને જમનાર લગભગ બધા ગળી ના શોખીન વાત બસ આટલી. તેમાં તો પડયા બે પક્ષ. કઈ જ્ઞાતિના લોકો કેવી કઢી બનાવે અને કઈ કઢી સારી એ વાત ઉપર બસ શસ્ત્ર અને  શાસ્ત્ર નીકળવાના  બાકી રહ્યા. 

આખી સવારની શરૂઆત કંઈક આમ થઇ. રવિવાર ની સવાર. બે દિવસ થી ઘરમાં મહેમાન. આગલા દિવસ ના ભારે જમણ પછીબધાની ઈચ્છા થઇ સાદા સીધા જમણની એટલે નક્કી કર્યું કે ખીચડી અને કઢી ખાવાની મઝા આવશે. ઘરમાં ત્રણ મહેમાન તો હતા અને ખરેખર તો એમણે  ખીચડી ખાવાની ઈચ્છા દર્શાવી હતી એટલે કામ સરળ હતું.  પણ ત્યાં ફોનની ઘંટડી વાગી। બીજા બે મહેમાનો પણઆવશે એવું નક્કી થયું એટલે થોડો વિચાર બદલાયો કે તો થોડી ભાખરી અને શાક પણ બનાવીશું.

વાત કઈ ત્યાંથીજ અટકે? એક બે બીજા ફોન આવ્યા અને મહેમાનોનો આંકડો પહોચ્યો લગભગ બાર ઉપર. એટલે ભાખરી ને બદલે પૂરીકરવાનું સુચન એક બહેને કર્યું જે સર્વાનુમતે સ્વીકારાઈ પણ ગયું. ઘરના ત્રણ ચાર બહેનોએ રસોઈ કરવાની એટલે એવું નક્કી થયું કે એક ખીચડી બનાવે, એક કઢી, એક શાક બનાવે અને એક પૂરી બનાવે। અહિયાં સુધી તો વાત બરાબર ચાલી પણ હવે ખરી મઝા શરુ.

તમે કોઈ દિવસ ચાર બહેનોને સાથે રસોઈ બનાવતા જોયા છે? નાં જોયા હોય તો જીવન નો એક મોટો લહાવો હજી લેવાનો બાકી છે તેજાણજો. અંગ્રેજી માં એક કહેવત છે કે  too many cooks spoil the broth એ કહેવત પ્રત્યશ જોવા જેવું બન્યું। શરૂઆત થઇ ખીચડીપ્રકરણથી। દલીલ ચાલી કે કઈ દાળ ની ખીચડી સારી। તુવેરની કે મગ ની.  બન્ને  દાળો ની સરખામણી, કઈ સારી અને કેમ તે ચર્ચા ચાલી. આપણા કુટુંબમાં કઈ દાળ  ની ખીચડી થાય તેવું ચર્ચાયું. કયા દાદીએ કેમ એવું નક્કી કર્યું હતું તેમ પણ ચર્ચા થઇ. મગની દાળ અને તુવેરનીદાળ નો પક્ષ પડયો। બંને પક્ષમાં જોરદાર વિવાદો ચાલ્યા।

છેવટે નક્કી થયું કે આજે તો મગની દાળ ની બનાવીએ. તુવેરની દાળ વાળા બહેન થોડા નિરાશ તો થયા પણ કામ આગળ ચાલ્યું. પણ પછીવાતાવરણ પાછું દોહ્લાયું કારણકે ચર્ચા ચાલી કે દાળ  અને  ચોખા એક કલાક પલાળવા કે પલાવ્યા વગરજ તરત  ખીચડી કરવી. જોકેસમયનો અભાવ જોતા પલાળવાનો વિચાર કેટલો યોગ્ય હતો તે ચર્ચા ચાલી. પણ એમ કઈ કાચા ના થવાય। માટે એકપક્ષી નિર્ણય થયો કેપલાળવું  તો ખરું કારણકે સારી ખીચડી થવી જોઈએ.ભલે થોડું જમવામાં મોડું થાય. વસ્તુ તો બરાબર હોવી જોઈએ. હવે નિરાશ થવાનોવારો હતો નહિ પલાળવાની મત વાળા બહેનનો।

પછી આવ્યો શાક નો વારો. બટાકા નું શાક કરવું તે સર્વાનુમતે નક્કી થયું. (હાશ) પણ વઘારમાં મેથી સારી કે રાઈ તે ચર્ચા ચાલી. શાક બનાવનાર બહેને વીટો વાપરીને રાઈ તો નાખી પણ મેથી વાળા બહેન નું મોઢું જરા જોવા જેવું થયું. શાક વધારે રસાવાળું સારું કે ઓછા તે વાત ઊપર પણ વિવાદ થયો. છેવટે નક્કી કર્યું કે જરા ઓછા રસાવાળું બનાવવું। માટે શાક પ્રકરણ પત્યું। પૂરી બનાવવામાં પણ તેના કદ વિષે જુદા જુદા મત થયા. નાની કે મોટી, જાડી કે પાતળી, વગેરે વાતો ઉપર પક્ષાપક્ષી. જેનું વધારે જોર ચાલ્યું તે પ્રમાણે રસોઈ બનવા લાગી.

કાંદાનું કચુંબર પણ કંઈ સહેલાઈથી થોડું થાય? કાંદા ખાવા જોઈએ કે નહિ, કેટલા વડીલો તો કાંદા લસણ ને હાથ પણ નહોતા લગાડતા એ વાત ઉપર બે થી ત્રણ પેઢીને યાદ કરી. ત્યાર પછી કાંદા  ઝીણા સમારવા કે મોટા, મશીન માં કે હાથ થી, બધી વાતો ચાલી અને દરેકપધ્ધતિનાં ફાયદા ગેરફાયદા ચર્ચાયા।

છેવટે આવ્યો જમણ નો સમય અને બધા ટેબલ પર ગોઠવાયા. ભૂખ બરાબર લાગી હતી કારણકે આ જમણ બનાવતા ધાર્યા કરતા તો ખાસ્સુંમોડું થયેલું. જયારે કઢી નો પહેલો સબડકો લીધો ત્યારે ખરો પ્રશ્ન આવ્યો।પહેલા બહેને મોઢું બગાડ્યું।. અરે, અરે, આવી સાવ ખાટી કઢી! બોલ્યા, "મારે તો ભાઈ ખાંડ જોઇશે". કઢી બનાવનાર બહેન ખીજ્વાયા।  બોલ્યા ખરી કઢી તો ખાટ્ટી  હોય. તાત્કાલિક મત લેવાયો અને મત ગણત્રી પણ થઇ ગઈ. નાં કોઈ જીત્યું કે નાં કોઈ હાર્યુંપણ બે પક્ષ પડ્યા તે પડ્યા. આમાં ના શાસ્ત્ર કામમાં આવે કે ના શસ્ત્ર. બસ બે નાતપડી ગઈ.

તો હવે તમને પૂછું. તમે કઈ નાતના? ખાટી કઢીની નાતના  કે ગળી કઢીની નાતના ? જો જો હોં જરા વિચારીને જવાબ આપજો।

મિનલ પંડયા




સોમવાર, 31 ઑગસ્ટ, 2015

હળવે હૈયે (2)

હળવે હૈયે (2)

કંઈક શ્રીમતીજી નો આગ્રહ, કંઈક મારી પોતાની અંતર ઈચ્છા, અને કંઈક ગુજરાતી સાહિત્ય સાથે નો મારો વર્ષો જુનો સંબંધ એટલે આવતા ઉનાળામાં અમેરિકા ફરી આવવું એવું ધીરે ધીરે વિચારમાં થી આચારમાં પરિવર્તન થવા માંડ્યું. એવું કહ્યું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત હમેશા એક વિચારથી થાય છે અને માટે સારા વિચારોજ કરવા જોઈએ। ધર્મગુરુઓથી માંડીને વડીલો સુધી બધા આ  સલાહ આપતા હોય છે. એ સલાહ કહેવામાં તો સારી છે પણ કરવામાં કેટલી મુશ્કેલ છે એ વાત વળી ફરી કોઈ વાર. પણ મારા અને શ્રીમતીજી ના વાર્તાલાપ પછી જયારે મેં જોયું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ના આમંત્રણ થી અમેરિકા જવાનું બને તેમ છે એટલે  તૈયારીઓ કરી ચાલુ.

આજુબાજુ તપાસ ચાલુ કરી કે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ.  જેવી રીતે આપણને કોઈ નાનકડી બીમારી આવે અને દરેક ઓળખીતો doctor બની ને સલાહ આપે જ આપે તેવું અમેરિકા ની બાબતમાં પણ બનશે તેવો ખ્યાલ નહોતો. કૈક નવો અનુભવ ચાલુ થયો. પટાવાળાથી માંડીને પાનવાળા સુધી બધા પાસે કંઈ  ને કંઈ  વાર્તા, કંઈ  ને કંઈ સલાહ, અને કંઈ ને કંઈ ચેતવણી મળવા માંડી.  "જો જો હો પાસપોર્ટ ની તો બહુ વાર લાગે છે. અમારા સાહેબને તો છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડેલી। એ તો સારું થયું કે છેવટે આવી ગયો નહીતર આખી ટ્રીપ કેન્સલ કરવી પડત."

"અમેરીકન વિઝા માટે તો એવી લાંબી લાઈનો થાય છે કે મારા જેવા તો જવાનો વિચાર જ માંડી વાળે" એક વડીલ ઉચર્યા। "એરપોર્ટ ઉપર આપણું બધું ફેકાંવી દેશે જો જો ને. મારો ભાણિયો હમણાં ગયો તો બધા શાકભાજી ફેકી દેવા પડ્યા".  શાકભાજી નહિ લઇ જવાની ચોક્ખી સુચના પછી પણ એમનો ભાણિયો કેમ લઇ ગયો હતો તેવો પ્રશ્ન અસ્થાને લાગે તેમ સમજી ને પૂછવાનો વિચાર માંડી વાળ્યો. "ઈમિગ્રેશનવાળા આપણા લોકોને બહુ હેરાન કરે છે" ત્રીજા બોલ્યા.આ બધું સાંભળ્યા પછી થોડી હિમત તો ઘટી પણ ડગલું ભર્યું કે ના હટવું એ કવિતા યાદ કરીને તૈયારી જારી રાખી.

પાસપોર્ટ કઢાવવા માટે સૌથી પહેલા તો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો એનું પ્રમાણપત્ર જોઇશે એવી માહિતી મળી. હવે આટલા વર્ષે એ ક્યાં શોધવું? છેલ્લું કયારે જોયું હતું એની શોધ ચાલી. આખું ઘર ઉથલાવ્યું. ના જોઈતી બધી વસ્તુઓ મળી. કેટલી ઉમેદવાર છોકરીઓના ફોટા કબાટના ખૂણામાંથી નીકળ્યા. ઓહો કેટલા વર્ષો પહેલાની બધી સંઘરેલી સ્મૃતિઓ ફૂટી નીકળી. કેટલી અજાણી જન્મ્પત્રીકાઓ નીકળી. જનોઈ નો દોરો, બા અને બાપુજીનો સાથે પાડેલો ફોટો, ડીગ્રી ના સર્ટિફિકેટ, રેશમી પટ્ટીમાં બાંધેલા જુના કાગળો, બધું મળ્યું પણ બર્થ સર્ટિફિકેટ ના મળ્યું તે ના જ મળ્યું. હવે?

શ્રીમતીજી નું કહ્યું છેવટે માન્યું અને મોટા કાકી ને મળવા ઊપડ્યા. પહેલા તો કાકીશ્રી એવો ઉધડો લીધો "આટલા વર્ષે આજે કાકી ક્યાંથી યાદ આવ્યા. કેટલા વર્ષોથી દિવાળીમાં પણ આવતો  નથી. કંઈ કામ હશે એટલે કાકી યાદ આવ્યા હશે." નતમસ્તકે બધું સાંભળી લીધું. એક કલાક જૂની પુરાણી વાતો તેમણે કરી તે શાંતિથી સાંભળી અને આટલા વર્ષોથી નહિ આવવાની સજા ભોગવીને છેવટે તેમની પાસેથી હોસ્પિટલ નું નામ મેળવ્યું. ફરી જલ્દી આવવાની ખાતરી આપીને નીકળ્યો.

હવે વિચાર કર્યો કે એ હોસ્પિટલ માં કોને ઓળખીએ છીએ. નાનપણથી બાપુજી કહેતા કે "ઓળખાણ એ મોટી ખાણ છે"  તે સાચું લાગ્યું। એક મિત્રના ભાઈના ભાઈબંધ ની પત્ની ના પિતાની ઓળખાણ કાઢીને જન્મનું પ્રમાણ મેળવ્યું. આખો ને આખો હું હાજર હોઉં તોય કેમ મારા જન્મનું પ્રમાણ જોઈએ તે તો મને હજી પણ સમજાતું નથી. પણ આવા બધા પ્રશ્નો નહિ કરવાનું ડહાપણ તો જરૂર સમજાયું છે. માટે આપણે તો ચુપચાપ પ્રમાણપત્ર લઈને હરખાઈને ઘેર આવ્યા. શ્રીમતીજી એ ખુશાલી તો વ્યકત કરી પણ તેની સાથે યાદ કરાવ્યું કે જયારે જયારે હું તેમનું સાંભળું ત્યારેજ મારું કામ થાય છે. ચાલો એક કામ તો પત્યું તેનો સંતોષ માનીને શ્રીમતીજી નું આ વાકબાણ અને ચાનો ઘુંટડો બંને ગળે ઉતાર્યા.

હવે કાલે પાસપોર્ટ ની ઓફિસે જવાનો નિર્ણય લઈને આજે તો શાંતિથી નીદ્રાદેવી  ને શરણે જવાની તૈયારી ચાલુ કરી.


મિનલ પંડયા




શુક્રવાર, 28 જૂન, 2013

હળવે હૈયે

હળવે હૈયે 


એકવાર રવિવારની સાંજે બેઠા બેઠા ચ્હા પીતા હતા ત્યાં શ્રીમતીજીએ વાત છેડી, કહે, " સાંભળ્યું? આ સામેવાળા સરલાબેન અને કાન્તીભાઈ આવતા મહીને અમેરિકા ફરવા જવાના છે . બાજુવાળા કાંતાબેન અને રસિકભાઈ તો ફરીને પાછા પણ આવી ગયા". છાપામાંથી નજર બહાર કાઢ્યા વગર મેં હુકારો ભણ્યો પણ એમ કઈ શ્રીમતીજી માને? એમણે મમરો મુક્યો, "આ તમે આટલા વર્ષોથી પ્રોફેસોરગીરી કરો છો તો કંઈ  cornference કે એવું કશું તમારાથી શોધાતું નથી? આમતો ઘણીવાર મારી આગળ ડહાપણ મારો છો કે મારે તો  આમ ઓળખાણ ને તેમ ઓળખાણ તો એક મહિનાની અમેરિકાની ટ્રીપ તમારાથી ગોઠવતી નથી?"  આમ મારા અહંકાર પર ઘા કાર્ય પછી જાણે શિતલ મલમ લગાવતા હોય તેમ ઉમેર્યું " બધા લોકો અમેરિકાની  વાતો કરે અને મારે તો સંભાળવાની જ ને? "

હવે મને ખબર પડી ગઈ કે છાપામાં મ્હો નાખીને આ વાત ઉડાડાય તેમ નથી એટલે છાપું બાજુ પર મૂકી લૂલો બચાવ કર્યો, " એમ તો કાઈ અમેરિકા જવાનું સહેલું છે? વળી ખર્ચાનો પણ વિચાર કરવાનો ને?" જોકે પાછલા બે દાયકાના અનુભવથી એક વાત તો હું જરૂર શીખેલો કે એકવાર શ્રીમતીજી ના દિલમાં તુક્કો આવ્યો એટલે હવે અમલમાં મુક્યા વગર છૂટકો નહિ થાય ઉપરાંત મને પણ થોડા ઘણા અંશે ઈચ્છા તો ખરી જ!  એમ વિચાર ચાલતો હતો ત્યાં તો બીજું કટાક્ષબાણ આવ્યું, "તમારી તો  ઘણીયે વિદ્યાર્થીનીઓ ના કાગળ આવે છે એમાંથી એકને પણ લખશો તો ખુશ થઈને પ્રવાસ ગોઠવી આપશે" શ્રીમતીજીનો મારી વિદ્યાર્થીનીઓ ઉપરનો જુગ જુનો સમભાવ પ્રગતિ આવ્યો

તાત્કાલિક ચ્હાનો અડધો કપ બાજુ પર મૂકી આપણે તો જુના સરનામાની ડાયરી ઉથલાવવા માંડી નહિ નહિ તો 50-75 વિદ્યાર્થીઓ અમેરિકામાં સ્થાયી થયાની નોંધ મળી "ભણ્યા પછી ને પરણ્યા પછી ભારત છોડવાની ફેશન થઇ ગઈ છે કે શું" મનમાં બબડ્યો

શ્રીમતીજીએ છેવટે રાહતનો દમ ખેચ્યો છે તે તો મોઢા પરથીજ કળાતું હતું "હવે મારું કામ પતી ગયું" એવો કઈક  ભાવ લાવીને ચ્હા નો કપ પકડી રસોડા તરફ ચાલતા થયા

બીજે દિવસે તપાસ કરી તો ખબર પડી કે સૌથી જલ્દી વિસા તો ભગવા વસ્ત્રધારી સાધુ સન્યાસીને જ મળે છે! આ પણ ગજ્જબ! વિચાર્યું, "સંન્યાસીઓને ભગવાનને ઘેર પ્રેફેર્ન્કિઅલ treatment મળે એ તો સમજ્યા, પણ અમેરિકામાં પણ?"  જિંદગીમાં ફરી એકવાર ભગવા નહિ ધારણ કરવા માટે અફસોસ થયો।

આપણા ગ્રહો અમેરિકા તરફ ખેચતા હોય કે પછી શ્રીમતીજીની પ્રાર્થના ભગવાને સાંભળી હોય, ગમે તેમ પણ કોલેજમાં આવેલી ટપાલ ઉથલાવતા ખબર પડી કે આવતા વર્ષે ન્યુયોર્ક માં ગુજરાતી સાહિત્ય સંમેલન ઉજવવાનું છે અને એનું આમત્રણ આવ્યું છે। એકદમ ઝબકારો થયો કે જોગાનુજોગ પણ જુઓ ઓલમ્પિક પણ આવતા વર્ષે છે। હવે તો તૈયારી કરે જ છૂટકો।

તે દિવસે સમાચાર લઈને ઘેર આવ્યો પછી સાંજે શ્રીમતીજી ને મેં પાડોશીને કહેતા સાંભળ્યા, "આ તમારા ભાઈને વળી આજકાલ અમેરિકા જવાનું ચક્કર લાગ્યું છે મેં તો કહ્યું કે હવે અમેરિકા જ છેને! આપને અહિયાં શું ખોટું છે? બહુ ઈચ્છા હોય તો ચાલો જાત્રા કરવા જઈએ પણ માને તો ને?"

નારીજાતના રહસ્યની કોઈ સીમા હશે કે નહિ તે વિચાર કરતા કરતા આંખ ક્યારે મીચાઈ ગઈ તે ખબર પણ ના પડી।


મિનલ પંડ્યા








મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2012

સુખ નામનો દેશ: અમેરિકા

સુખ નામનો દેશ: અમેરિકા

સુખ અને દુખ એતો મનનું કારણ છે. પણ અમેરિકાએ  સુખનો દેશ છે એ કહેવા કરતા એ કહેવું યોગ્ય છે કે અમેરિકા શક્યતાઓનો દેશ છે. અહીંયા વ્યક્તિગત વિકાસ માટે અથવા અધોગતિ માટે અસંખ્ય શક્યતાઓ છે. ભૌતિક સંપત્તિ હોય, આર્થિક વિકાસ હોય કે પછી આંતરરાષ્ટ્રીય સમજ હોય, અમેરિકામાં  શક્યતાઓ અનેક  છે. હવે આ શક્યાતોમાંથી કેટલો લાભ લેવો તે દરેક વ્યક્તિની પોતાની શક્તિ, સમજ, સંસ્કાર, ઉત્સાહ  અને આવડત ઉપર આધારિત છે.

હું જો પાછું વાળીને જોઉં તો છેલ્લા ત્રણ દાયકાઓમાં મને અમેરિકામાં જે શીખવા, જોવા, સમજવા મળ્યું અને એનાથી જે ઘડતર થયું તે અમૂલ્ય છે. કુટુંબના હુંફાળા વાતાવરણમાંથી બહાર નીકળીને પોતાની જાતને ઓળખવાનો જે લ્હાવો છે તે મને અહિયાં મળ્યો. ભારત માં કદાચ ઘણોજ જુદો અનુભવ થયો હોત. આ ઉપરાંત મેં જોયું છે કે જીવનમાં જયારે જયારે પણ  વળાંક આવ્યા ત્યારે ત્યારે નવા પ્રયત્નો કરવાની શક્યતઆ ઓ મને અમેરિકામાં  મળી છે.

અમેરિકા માં આવીને શરુઆતમાંજ કારકિર્દીને જુદી દિશા આપવાનો મોકો મળ્યો અને કારકિર્દીને પ્રોત્સાહિત કરતુ વાતાવરણ પણ મળ્યું કે જેમાં આવડત, ધગશ, અને હોશિયારી પ્રમાણે આકાશ પણ  આંબી શકાય તેવી શક્યતા મળી. ત્યારપછી બાળકોના જન્મની સાથે સાથે પણ આગળ ભણવાની શક્યતા મળી જે કદાચ ભારતમાં શક્ય નાં બનત. ત્યારપછી બની  બનાવેલી કારકિર્દીને છોડીને બાળ ઉછેરની સાથે સાથે કૈક નવું કરવાની ભાવના સાથે મારો પોતાનો પ્રકાશન નો ધંધો કરવાની શક્યતા મળી કે જેમાં ઘણા પુસ્તકો લખી અને પ્રકાશિત કરવાનો મોકો મળ્યો.

બાળકો મોટા થયા પછી ફરીથી કારકિર્દીમાં પગલા માંડવાની પણ શક્યતાઓ મળી છે.   હવે આ બધી તકોનો કેટલો અને ક્યારે ઉપયોગ કરવો તે દરેકની  રૂચી અને શક્તિ ઉપર નિર્ધારિત છે. પણ અમેરિકામાં આ બધું વધારે શક્ય બન્યું છે તે તો સાવ સાચું છે.

તેવીજ રીતે નવું વાતાવરણ મળ્યું એટલે જૂની ટેવો અને રૂઢિઓને માટે સમજ કેળવવાની જરૂર પડી. જેમ કે  ભારતમાં રહીને શાકાહારી રહેવો તે સહજ હતું પણ અહી આવ્યા પછી સમજીને શાકાહારી રેહવું તે પસંદગી હતી અને કરી.  એવી જ રીતે દરેક માન્યતાને સમજીને અપનાવવાનો મોકો પણ અમેરિકામાં જ મળ્યો. જિંદગી જીવવા માટે એક સમજ કેળવીને દરેક તબ્બકે યોગ્ય અને અયોગ્ય વચ્ચે પસંદગી કરવી કે જેમાં સમાજના બંધનો અને જીવવાના નિયમોનું માપદંડ નાં હોય એ રીતે જીવવાની શક્યતો પણ અહીયાજ મળી

માટે અમેરિકા એ મારી દ્રષ્ટીએ તો અનેકાનેક શક્યતાઓનો દેશ છે.