સોમવાર, 5 નવેમ્બર, 2018

ચાલવા જવાની ખરી મઝા તો અમદાવાદમાં

ચાલવા જવાની ખરી મઝા તો અમદાવાદમાં

આમ જુઓ તો અમદાવાદ, કસરત અને મઝા એ ત્રણે  શબ્દો સાથે બેસે નહિ. ખરા અમદાવાદીઓને  મઝા અને  કસરત સાથે કોઈ સીધો સંબંધ ક્યારેય હતો નહિ અને કદાચ થશે પણ નહિ.  શારિરીક કસરત, કે જ્યાં પરસેવો પાડવો પડે, કે શરીરન કષ્ટ આપવું પડે ,એ મઝા કેવી રીતે કહેવાય? અમદાવાદી લોકોની મઝા એટલે લારી ઉપર પીધેલી ચા, માણેકચોકના ભાજીપાંવ અથવા ખુમચાની ભેળ ખાતા ખાતા ભાઈબંધોનસાથે સ્કૂટર ઉપર પગ લટકાવીને રસ્તામાં ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે રાજકારણની ચર્ચા. પણ બદલાતા સમય સાથે આજકાલ અમદાવાદી વિચારોમાં થોડો બદલાવ આવ્યો છે. અને શહેરમાં ઠેર ઠેર બગીચાઓમાં, કાંકરિયા કે નદી કિનારે વહેલી સવારે ચાલવા જવાની નવી પ્રથા ચાલુ થઇ છે.

તો તમને થશે કે ચાલવા જવામાં વળી મઝા શું? ચાલવા તો આખી દુનિયા જાય છે. પણ કોઈ પણ પ્રવૃત્તિમાં મઝા ઉમેરવી એ અમદાવાદી લોકો ને બરાબર આવડે।

અમદાવાદમાં ચાલવાની કસરત બીજી કોઈ પણ જગ્યા કરતા અલગ. શિયાળાની ઠંડી માં વહેલી સવારે ઉઠીને, માથે બુઢિયા ટોપી, ગળે મફલર, જાડો મઝાનો કોટ કે સ્વેટર, પગમાં નવા નક્કોર બુટ પહેરીને ઘરની બહાર નીકળવાનું। કુતરા પાછળ પડે નહિ માટે કોઈ કોઈ લોકો તો વળી હાથમાં લાકડી ઠપકાવતા ચાલે। થોડા અંતરે ગયા પછી બે ત્રણ ભાઈબંધો જોડાય। જો બગીચો થોડો દૂર હોય તો તો ગાડી માં જવાનું અને છે...ક બગીચાના ઝાંપા ને અડાડીને ગાડી એવી મુકવાની કે બીજા કોઈ ને અંદર જવાની જગ્યા પણ ભાગ્યેજ રહે. વિચાર આવે કે જો ચાલવા જ નીકળ્યા છો તો થોડે દૂર ગાડી મૂકી ને કેમ નહિ ચાલવાનું। પરંતું તમને ખબર છે કે એવો વિચાર પણ અસ્થાને છે. જો બગીચાની અંદર ગાડી લઇ જવાતી હોત તો એજ કર્યું હોત પણ આતો મજબૂરી છે માટે બહાર મુકવી પડે છે.

અંદર ગયા પછી આજુબાજુ નજર નાખીને જોઈ લેવું કે કોણ કોણ આવ્યું છે. ફલાણા ભાઈ કેમ આજે નથી આવ્યા અથવા આ વળી આમની સાથે શું વાત કરતા હશે  તેમ વિચારતા એક ચક્કર મારવું।ખાસ હાજી કોઈ ઓળખીતું દેખાય નહિ તો ધીમે ધીમે બીજું ચક્કર શરુ કરવું। જો કોઈ દેખાય તો પહેલા તેમની ખબર પૂછ્યા પછી જ ચાલવું પડેને? કોઈ ના હોય તો બે ચાર રાઉન્ડ ચાલવાનું થાય એટલે હાશ આ અઠવાડિયાની કસરત થઇ ગઈ હવે શાંતિ થી બાંકડા ઉપર બેસવાનું અને ભાઈબંધો સાથે ગોઠડી કરવાની। રાજકારણથી માંડીને રામાયણ સુધીની ચર્ચા ચાલુ થાય. જીવનભરની ફિલોસોફી ચર્ચાય, ઘરના પ્રોબ્લેમ અને શરીરના પ્રોબ્લેમ, બધા વિષયો વત્તેઓછે અંશે અહીંયા ખુલે। બીજાકોઈ ખૂણામાં થોડી બહેનો વાનગીઓની આપ લે કરે તો કોઈ ઘરગથ્થુ દવાઓની અસર ઉપર ટિપ્પણી આપે. ખ્યાલ આવે કે આ સમાજમાં થેરપી વાળા ની જરૂર જ નહિ પડતી હોય.

મિત્રો સાથે લાંબી વાતોની મઝા લીધા પછી અને  બીજા સાથેહૈયું ઠાલવ્યા પછી ચાલવા જવાની ખરી મઝા તો હવે આવે. અહાહા, બહાર નીકળીએ ત્યારે લારીઓમાં ગરમ ગરમ સૂપ થી માંડીને, જુદા જુદા ફળોના રસ, અડદિયો અને મેથીપાક જોઈને સોડમથી મન ખુશ થઇ જાય. વળી થોડો સંતોષ કે હજી હમણાં જ  કેલરી તો ઘણી બાળી છે એટલે  શાંતિથી આરોગો। એટલે છેવટે ચાલીસ મિનિટ ચાલ્યા પછી બસ્સો કેલરી ઉમેરીને જયારે ઘરે પાછા જઈએ ત્યારે મન, પેટ અને હૈયું બધું ખુશીથી તરબોળ હોય. અને ઘેર ગરમ ગરમ ચ્હા રાહ જોતી હોય એ તો વળી નફામાં।

હવે આ સાથે બીજે ક્યાંય પણ ચાલવા જવાનું સરખાવો। બીજે બધે તો. તમે સ્નીકર્સ ચડાવીને  લન્ચ બ્રેક માં અડધો કલાક ચાલવા જાઓ પછી પાછા ઓફિસમાં બાકી રહેલા મેસેજના જવાબ આપવા લાગી જાઓ. ના કોઈને મળવાનું, ના વાતો ની મઝા માણવાની  કે ના ગરમાગરમ સૂપ આરોગવાનો। બોલો હવે માનો છો ને કે ચાલવાની ખરી મઝા તો અમદાવાદમાં।

મીનળ



મંગળવાર, 3 જુલાઈ, 2018

હળવે હૈયે (6)

હળવે હૈયે (6)

છેવટે જવાનો દિવસ આવી લાગ્યો। શ્રીમતીજી તો બે દિવસ થી બેગોના પેકિંગ માં જમવાનું પણ ભૂલી ગયા હોય એવું લાગતું હતું। કામ નો તો પાર નહિ આવે એવું જ હતું। એકબાજુ ઘર બંધ કરવાનું, બીજી બાજુ બેગો ભરવાની, ઉનાળાની ગરમી માં તપતા હોઈએ પણ વિચાર ઠંડીના કપડાં બરાબર લીધા છે કે નહિ તે વિચારવાનું। શું સાથે લઇ જવાય અને શું કઢાવી નાખશે તેની ચિંતા, ખાખરા ભાંગી ના જાય ને અથાણાની બરણી ખુલી ના જાય. બાજુવાળા સરલાબેન આવ્યા તેમને યાદ કરાવ્યું કે ત્યાં કપડાં કઈ દરરોજ નહિ ધોવાય અને ધોશો તો સુકાવવા માટે દોરી લઇ જજો. આ બધી ઝીણી ઝીણી ચિંતામાં ખ્યાલ આવ્યો કે જે આપણે સામાન્ય વાતો માનીએ છીએ અને જે જીવન પદ્ધતિ થી આપણે ટેવાયા છીએ તે કેટલી આગવી છે.

પરદેશમાં આખી જીવન જીવવાની પદ્ધતિ જુદી। સવાર અને સાંજ જુદા। કપડાં પહેરવાના નિયમ જુદા (લેંઘો ઝભો પહેરીને બહાર ના નીકળશો એવુંતો ખાસ ટોકીને કહેવામાં આવેલું ) પૈસા જુદા, પ્રેમ પણ જુદો। આ બધામાં આપણને કેમ ફાવશે એવો વિચાર આવતો પણ શ્રીમતીજી નો ઉત્સાહ જોઈને વિખરી જતો. સાંજે - ના અડધી રાત્રે બધાને આવજો કહીને, ઘર ને તાળું મારીને એરપોર્ટ જવા નીકળ્યા। એરપોર્ટ પહોંચ્યા ત્યારે તો જાણે સરકસ માં આવ્યા। બાપરે, આટલા બધા માણસો રોજ પરદેશ જતા હશે કે આજે કઈ ખાસ છે? માણસો ના ટોળા,બેગો ની રમઝટ, ટ્રોલી શોધનારાઓની કાગઝડપે ઝપટ, પોલીસો ના ડંડાઓની ઠાકઠક,અને મુકવા આવેલા લોકોની છેલ્લી ઘડીની સૂચનાઓ। આટલી ચહલપહલ તો  આજકાલ ટ્રેન સ્ટેશન કે બસ સ્ટેન્ડ ઉપર પણ નથી હોતી! બધા બસ પરદેશ જ જતા હશે? વિચાર આવ્યો।

છેવટે ધક્કા મુક્કી ને ભીડને ભીડીને અમે અંદર જવાની લાઈન સુધી પહોંચ્યા।બધા કાગળો જોઈને પોલીસે અંદર તો જવા દીધા પણ ત્યાં પછી બેગો માં શું શું ભર્યું છે તે જોવાની બીજી લાઈન । અરે ભાઈ અહીંથી અથાણાં અને મસાલા શિવાય બીજું શું લઇ જતા હોઈશું? ત્યાર પછી બીજી લાઈન બેગો આપવાની। આ તો ભારે ચિંતા નો વિષય હતો. વજન (બેગોનું, અમારું નહિ)  વધી જશે તો? શ્રીમતીજીનું મોઢું તો એકદમ ટેન્શનમાં। અને થયું પણ એવું જ. છેલ્લી ઘડીએ ઠોસી ઠોસી ને જે નાસ્તા ભર્યા હતા તે એમનું સ્વરૂપ બતાવી રહ્યા હતા. "બહેન, આ બેગમાં પાંચ કિલો વજન વધારે છે. તમારે પૈસા ભરવા પડશે"।ફટાફટ બેગો ખોલી, પાંચ નાસ્તાના પડીકા હાથની બેગમાં ભર્યા।

એમ કરતા કરતા છેવટે છેક સિક્યોરિટી સુધી પહોંચ્યા।આ  હરોળ માં ચોખ્ખા બે જુદા વર્ગના લોકો દેખાતા હતા. દેશ માં ફરી ને પાછા જતા એન આર આઈ અને બીજા અમારા જેવા ફરવા જતા રહેવાસીઓ। શરીર પર કપડાં જુદા, મોઢા પર ના  હાવભાવ જુદા પણ પહોંચવાની તાલાવેલી એક સરખી।એન આર આઈ ના મોઢા ઉપર થાક, કંટાળો અને એરપોર્ટના દરેક કર્મચારી માટે કોઈ ને કોઈ ટીકા છલકાતી હતી. તેમાં હાવભાવમાં આ દેશ અને દેશવાસીઓ ક્યારે સુધરશે તે ચોખ્ખું વંચાતું હતું જયારે ફરવા જય રહેલા રહેવાસીઓ થાકેલા અને ચિંતાથી ભરપૂર દેખાતા હતા. જુવાનો બેફિકર, મહિલાઓ સામાન સાચવવાની ફિકરમાં, બાળકો અડધી રાતની નીંદર ખરાબ થતા રડવામાં, અને પુરુષો ફોને કાને લગાડેલા। અત્યારે તેમની સાથે કોણ વાત કરવા તૈયાર હશે તે વિચાર આવ્યો તેવો ખસેડી કાઢ્યો।

સિક્યોરિટી પસાર કરીને શાંતિ નો શ્વાસ લીધો। જોકે અડધી રાત જતી હતી પણ આંખમાં ઊંઘનું તો નામનિશાન નહોતું પણ એક પ્રકારનો થાક, થોડો ઉત્સાહ, થોડી ચિન્તા અને થોડી આજુબાજુની ચહલપહલ, બધું કૈક સ્વપનવત ભાસતું હતું। એવા કઢંગી મૂડ માં આ અપરિચિત વાતાવરણમાં પ્લેન માં ગોઠવવાની રાહ જોતા કઢંગી ખુરસીમાં બેઠા।વિચાર આવ્યો કે અમેરિકા જવાનું શા માટે નક્કી કર્યું। શાંતિ થી ઘેર ઓટલે બેઠા બેઠા છાપા વાંચવાની મઝા છોડીને આ વળી શું ઉભું કર્યું। ઘર ની પથારી બહુ યાદ આવી ગઈ. પણ હવેતો  ગયેજ છૂટકો એટલે આ વિચાર જ અસ્થાને છે એમ મન ને સમજાવી લીધું।

બાજુમાં બેઠેલા, ના અડધા ઊંઘતા, શ્રીમતીજીના મોઢા ઉપર આનંદ અને સંતોષ છલકાતો હતો. છેલ્લા થોડા વર્ષોની તેમની ખ્વાહિશ આજે પૂર્ણ થવા જઈ રહી હતી તે વંચાતું હતું।






રવિવાર, 24 જૂન, 2018

રાહ જોવાની કળા

અમદાવાદમાં શીખો: રાહ જોવાની કળા

અમદાવાદમાં જો તમારે સુખેથી લાંબો સમય રહેવું હોય તો રાહ જોવાની કળા હસ્તગત કરવી ખુબ જરૂરી છે. જેટલું જલ્દી તમે આ કળા હસ્તગત કરી શકો તેટલા જલ્દી તમે શાંતિ પામી શકો. તમને જયારે એ  ખ્યાલ આવી જાય કે અહીંયા સમય પાલન એ એક અશક્ય અને ના આંબી શકાય તેવો તારો છે ત્યારથી તમારી રાહ જોવાની કળા શીખવાનું શરુ થઇ જાય.. થોડું શીખી જાવ એટલે રાહ જોવી પડેશે તેવી આશા સાથે જ દિવસ ચાલુ કરો. લગભગ સવારથીજ રાહ જોવાનું ચાલુ થઇ જાય. સૌથી પહેલા દૂધવાળો, છાપાવાળો કે નોકર રાહ જોવડાવે, જો એ બધા સમયસર આવે તો ધોબી મોડો આવે. ત્યાર પછી બસ અથવા ટ્રેન રાહ જોવડાવે, બપોરે ગ્રાહક રાહ જોવડાવે અને સાંજે ભાઈબંધ રાહ જોવડાવે। જાણે કે રાહ જોવાનો અને  જોવડાવવાનો એક આપણો રાષ્ટ્રધર્મ હોય તેવું લાગે।  તો કેવી રીતે આ કળા હસ્તગત કરવી?

તો સાંભળો।

સૌથી પહેલા તો ઘડિયાળ જોવાનું બંધ કરી દો. સવારે 9 વાગે આવવાનું તમારી બાઈએ કહ્યું હશે તો આખી સવારમાં ક્યારેક તો આવશે। 9 વાગ્યાથી રાહ જોવા માંડો તો એ તમારો વાંક છે. એના મનમાં તો એણે વિચારેલું કે સવારે જવાનું છે અને લગભગ બાર વાગ્યા સુધી તો સવાર જ કહેવાય। પણ જોકે એ છેક એવું નહિ કરે. સાડા દસ કે અગિયાર સુધીમાં ક્યાંતો આવી જશે ક્યાંતો એનો ફોન તો આવશેજ। એટલે તમે જો ઘડિયાળ જોવાની માથાકૂટ માં ના પાડો તો તમે પણ ખુશ અને એ પણ ખુશ.

બીજું કે હંમેશા પ્લાન બ એટલેકે જો પહેલો પ્લાન સફળ ના થાય તો શું કરવું તે વિચારી રાખો। એટલે જેવો ખ્યાલ આવે કે હવે આ સુથાર આજે નહિ આવે તો બીજા કોને બોલાવીશ અથવા કેવી રીતે આ બારણું બેસાડીશ। આજે ધોબી ના આવે તો બીજું શું પહેરીશ। આજે રસોઈ કરવાવાળા બેન ના આવે તો શું જમીશું।
તમારા સંતોષ ખાતર જો તમારે ફોન કરવો હોય તો કરો પણ લગભગ તો તમારો ફોન જ નહિ ઉપાડે પણ જો ઉપાડશે તો બધા બહાના સાંભળવાની તૈયારી રાખો। ક્યાંતો કોઈ સ્વર્ગસ્થ થયું હશે, ક્યાંતો કોઈ માંદુ,ક્યાંતો રસ્તામાં જ હશે અને ક્યાંતો એક્સીડેન્ટ થયો હશે,ક્યાંતો લગ્ન પ્રસંગ અને ક્યાંતો અચાનક મહેમાન। આ કારણો સાચા હશે કે નહિ અથવા કેવા ખોટા કારણો બતાવી રહ્યા છે એવો વિચાર અયોગ્ય છે. જે પણ કારણ બતાવે તે સાચું છે તેવું માનવું। મન ના માને  તો એને મનાવવું।

ત્રીજું તો એ કે યાદ કરવું કે  જેવી રીતે દરેક વાદળની કિનારી પર રજત રેખા હોય છે એટલે કે જેવી રીતે જીવનના દરેક પ્રશ્નમાં કાંઈ સારું પણ નીકળતું હોય છે તેમ આ રાહ જોવાનો એક મોટો ફાયદો એ કે તમારે પણ કોઈ જગ્યાએ સમયસર પહોંચવાની ચિંતા નહિ. સામેવાળા રાહ જોશે। અને ફોન કરેશે તો કહેવા માટે ઘણા કારણો છે! આપણે સાંભળી સાંભળી ને શીખી ગયા છીએ.માટે કોઈ ચિંતા નહિ. મોડા નથી. રસ્તામાંજ છીએ।  હમણાં પહોંચ્યા જ સમજો।








સોમવાર, 2 એપ્રિલ, 2018

માંદા પડવાની ખરી મઝા તો અમદાવાદમાં

માંદા પડવાની ખરી મઝા તો અમદાવાદમાં

તમને થશેકે માંદા પડવામાં તો કાંઈ મઝા હોય? ખરેખર તો  ના હોય પણ જો તમે બીજા કોઈ પણ દેશમાં માંદાં પડ઼ો એટલે ડૉક્ટર પાસે જવાનું, દવા લેવાની અને માંદગી સહન કરી લેવાની, એ સિવાય કોઈ ખાસ બનાવ હોય નહિ.

પણ અમદાવાદમાં જરા વાત જુદી। જો તમને શરદી, ઉધરસ, તાવ અંથવા પેટ માં દુખવાની બીમારી આવે અને જો ડૉક્ટર ની ઓફિસે જવાનું થાય તો કૈક આવો અનુભવ થાય. પહેલા તો ડૉક્ટર ની ઓફિસ યાને કે દવાખાનાંમાં લાંબી લાઈન હોય. ડોક્ટરને હજી આવવાની વાર હોય તે પહેલા તો લાઈન ચાલુ થઇ ગઈ હોય. કોઈ તાવવાળું તો કોઈ ખાંસી ખાતું, કે કોઈ નાક નીસરતું સાથે બેઠું હોય.  તમને થોડી ચિંતા થાય કે અહીથી હું સાજો થઈને જઈશ કે કોઈ બીજાની માંદગી લઈને પણ એ ચિતા બાજુ માં મૂકી દઈને તમે ગોઠવાવો . કહેવાય છે કે દુ;ખી વ્યક્તિ ને કોઈ બીજો દુ;ખી વ્યક્તિ મળે તો ગમે. (misery loves company). તે પ્રમાણે આ બધા દર્દીઓ એકબીજા સાથે વાત માં જોડાય અને સલાહનો મારો ચાલુ થાય.

"તમને તાવ ક્યારથી આવે છે? કડવું કરિયાતું પીધું? મારા સાળાને  તો એનાથી જ સારું થઇ ગયું હતું". " પેટમાં દુખવાની તો એક જ દવા છે. ગમે તે કારણે પેટમાં દુખતું હોય તો ત્રણ દિવસના લાંઘણ  કરી કાઢો। બધું મટી  જશે"."પગ માં ઘા વાગ્યો છે તો પહેલા હળદર લગાડી છે ને? નહિતર પરુ થઈ જશે" 

લગભગ દરેક રોગની દવાઓ વિષે ચર્ચા થાય. તમને વિચાર આવે કે જો આ બધાને આટલી બધી ખબર છે તો અહીંયા કેમ આવ્યા હશે પણ એવા વિચારો અસ્થાને છે તે પણ સમજાય।

ત્યારપછી બીજા ખૂણામાં તત્વજ્ઞાન ચર્ચાય। " અરે ભાઈ હવે ઉંમર થઇ એટલે થોડું તો થાય ને? આ જીવન તો ક્ષણભંગુર છે." કેટલું ક્ષણભંગુર છે તેના ઉપર બે ચાર દાખલા સાથે વાતો થાય. ઉપરથી શું લાવ્યા છીએ અને શું લઈને જવાના છીએ તે યાદ કરાવાય। આપણે કરેલું કર્મ જ  આપણી સાથે આવશે એવા આત્મવિશ્વાસ સાથે  આપણે થયેલી માંદગી ને ભૂલી ને કરેલા કર્મો ઉપર ચિંતન કરતા થઇ જઈએ. ત્યાં સામે થી શેર બજાર ના ભાવો ચર્ચાતા સંભળાય તો કોઈક બાજુથી રાજકારણ। આ વખત બીજેપી આવશે કે કોંગ્રેસ અને જે પણ આવશે આપણે તો કોઈ ફાયદો નથી તેવું કોઈ અનુભવી ઉચ્ચારે।

આહા આવા વાતાવરણમાંથી ઉઠીને જયારે ડોક્ટરને મળવાનો વારો આવે ત્યારે માંદગી તો એની જગ્યાએ રહે પણ આપણે આપણા જ્ઞાનમાં કેટલો વધારો થયો અથવા તો આ નશ્વર દેહને સાચવવાનો શું ફાયદો છે તે વિચારમાં ક્યારે ઇન્જેક્સન લઈએ તે ખબર પણ ના પડે.

બાકી સાજા થવું એ તો ઈશ્વર ના ઉપર જ છે અને કર્મના બંધન પ્રમાણે દેહ ના દંડ તો ભોગવવાજ રહ્યા એવી સમજ સાથે ઘરે પહોંચી જઈએ.

મીનળ પંડ્યા