સોમવાર, 12 જુલાઈ, 2021

દિવાળીની ખરી મઝા તો અમેરિકામાં

દિવાળીની ખરી મઝા તો અમેરિકા માં

ઘણા વર્ષો પછી અમદાવાદ માં દિવાળી ઉજવાનો મોકો મળ્યો. જતાં પહેલા તો ઉત્સાહ ની કોઈ સીમા નહોતી. બચપણ ની કેટલી મીઠી યાદો દિવાળી સાથે સંકળાયેલી હતી. નવા કપડાં (જો કે એતો હવે કોઈ નવી વાત નહોતી), ખૂબ બધી વાનગીઓ, મઠિયા, ઘૂઘરા, સેવ, સુંવાળી, બરફી, પેંડા. ચેવડો, શું શું બધુ યાદ કર્યું. મીઠાઇ નું તો લાંબુ લિસ્ટ. અને સૌથી વધારે મજા તો બધા કુટુંબીજનો તથા મિત્ર મંડળ ને મળવાનું. ખૂબ ખૂબ વાતો કરવાની. રંગોળી ના રંગોથી ઓટલો શણગારવાનો  અને મોડી રાત સુધી ફટાકડા ની રમઝટ કરવાની .. આહાહા શું બધી યાદો અને શું બધી મજા. આવા વિચારો વાગોળતાં વાગોળતાં છેક અમેરિકા થી લાંબી મુસાફરી આદરી અને દિવાળી ના બસ બે દિવસ પહેલા પહોંચી ગયા  અમદાવાદ માં.

એરપોર્ટ ઉપર ઉતરતા જ પહેલી એક નિરાશા થઈ. આશા હતી કે દિવાળી ના માન માં ઍરપોર્ટ ઉપર કઈક સરસ આવકાર હશે. આવનાર ને લાગે કે ભારતનો સૌથી વધારે ઉજવાતો તહેવાર તમને આવકારે છે. અહિયાં અમેરિકામાં નાતાલ ના થોડા અઠવાડિયા પહેલેથી મોટું ખાસ્સું નાતાલ નું ઝાડ રૂડા રૂપાળા ચમકતા બોલ થી શણગારી ને આગંતુકઓ ને આમંત્રણ આપતું બધા એરપોર્ટ ઉપર જોયું હતું. આપણાં અમદાવાદ માં  કેમ દિવાળી નો ચમકાટ એરપોર્ટ થી જ ના દેખાય?  થોડી હતાશા થઈ પણ કયા ખબર હતી કે આ તો હજી શરૂઆત હતી. 

ધીરે ધીરે ઘરે પહોંચ્યા. રસ્તામાં ફટકડાનો કોઈ અવાજ સંભળાયો નહીં એટલે અમારા ડ્રાઇવર ને પૂછ્યું કે આવું કેમ? કદાચ હજી દિવાળીને બે દિવસ ની વાર છે એટલે? એણે હસતાં હસતાં જવાબ આપ્યો, "સાહેબ તમે બહુ વર્ષો પછી આવ્યા લાગો છો. અહિયાં તો કાયદો છે કે રાત્રે અગિયાર વાગ્યા પછી ફટાકડા નહીં ફોડવાના." થોડી નવાઈ તો લાગી પણ સારું પણ લાગ્યું કે બરાબર જો કોઈને સૂવું હોય તો મુશ્કેલી ના પડે. અમારા જમાનામાં તો આખી રાત અમે ટેટા ફોડતા એવું ડ્રાઇવર ને કહ્યું. "સાહેબ, તમે NRI  લાગો છો. એ બધા આવુજ  બોલે છે." 
"હા એ સાચ્ચું પણ તો દિવાળીની મજા તો થોડી ગઈ જ ને ?" 

ધીરે ધીરે રહેતા રહેતા ખબર પડતી ગઈ કે જે દિવાળી અમને યાદ છે તે તો કદાચ અમારી સાથે કે અમારા પછી દેશમાં થી વિદાય થઈ ગઈ છે. જે દિવાળી બે અઠવાડિયા ચાલતી તે બે દિવસ માં સમાપ્ત થાય છે. એક મહિના પહેલા ચકચકાટ કરાતા વાસણો ગાયબ છે. એની જગ્યાએ કાચના પ્યાલા રકાબી ને ડિશો નો સેટ કાચ ના કબાટ માં ચમકે છે. મઠિયા ઘૂઘરા સુંવાળી ની જગ્યાએ બદામ પિસ્તા કાજુ થી ભરેલી થાળી સામે ધરાય છે. (ધરાય છે એ એટલા માટે કે આપણે બે કે ત્રણ દાણા લઈને થાળીને આગળ જવા દેવાની). યાદ કર્યું કે નાના હતા ત્યારે માસી, અને કાકી ને ઘેર, આખી થાળી ભરેલી વાનગીઓ ઝાપટતા હતા. લસલસતો મગસ  કે મોહનથાળ ને બદલે કંદોઇ ની દુકાન ની  કાજુ કતરી અને રૂપળા કાગળમાં વીંટાળેલી ચોકલેટ મળી.  બેસતા વર્ષ માં સવારે સબરસ ની બૂમ સંભળાઈ નહીં એટલે  અમારા યજમાન ને પૂછ્યું. એ જરા હસ્યાં. "હવે કોઈ છોકરો સબરસ આપવા ના આવે. એ દિવસો ગયા." 

અમે જોયું કે એની સાથે સાથે મહેમાનો ની રણઝાર પણ ગઈ. એના બદલે એક સાંજે બધાનું એક હોટેલ ના હોલ માં સ્નેહમિલન હતું. જ્યાં શુભેચ્છાઑ ની આપલે, બુફે ડિનર (ઊભા ઊભા) અને સંગીત સંધ્યા. થઇ ગઈ દિવાળી ની ઉજવણી. (હા,  થોડા ફટાકડા ફોડવા જરૂર મળ્યા) એક બીજી સાંજે રંગોળી ની હરીફાઈ યોજાઇ હતી  તે જૂની દિવાળીની લહેરખી સરખી યાદ અપાવી ગઈ. 

અમને વિચાર આવ્યો કે ઘણા બધા મિત્રો તો દેખાય જ નહીં. પૂછતાં ખબર પડી કે હવે દિવાળી ઉપર કોઈ ઘર માં રહેતું નથી. "અરે યાર, એકતો છોકરાઓને રજાઓ ત્યારે જ મળે અને બીજું કે ઘેર બધુ સાફ કરો,બધાને બોલાવો એના કરતાં થોડું ફરી અવાય" મિત્ર બોલ્યા. "બિલકુલ સાચું. એટલે તો અમે અહિયાં ફરવા આવ્યા." અમે કહ્યું. 

બીજા વર્ષે જ્યારે અમેરિકામાં ચાર જુદા જુદા વીક એન્ડ માં જુદા જુદા મિત્રો સાથે મળીને, મઠિયા, ગાંઠિયા, સેવ નું ઉજવણી કરી ત્યારે બોલાઈ ગયું કે દિવાળી ની ખરી મજા તો અમેરિકામાં!





 




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો