રવિવાર, 11 જુલાઈ, 2021

હળવે હૈયે (7)

ળવે હૈયે (7)

લાંબી સફર બાદ અમે છે....વટે ન્યુયોર્ક પહોંચ્યા। પહોંચ્યા એટલે, હજી અમે નહિ - પણ અમારું હવાઈ જહાજ। જેવું સીટ બેલ્ટ છોડવાનું સૂચન આવ્યું કે તરત આપણા દેશી સહપ્રવાસીઓએ ધડાધડ ઉપરથી અને નીચેથી બેગો કાઢવા માંડી। માથે અથડાતા અથડાતા માંડ બચી. નીચે ઉતરવાની  જાણેકે હરીફાઈ હતી. અને હું તો એ હરીફાઈમાં હારવાની તૈયારીમાં જ હતો પણ ના, શ્રીમતીજી કઈ એમ હાર મને તેવા નહોતા। એમણે તો આગળવાળાને જરા એક કોણી થી ખસેડીને ઉપરથી અમારી બેગ નંબર એક ઉતારી અને મને આંખથી ઈશારો કર્યો કે બીજી બેગની જવાબદારી તમારી। ક્ષણભર તો હૈયામાં ઉમળકો આવ્યો કે આટલા વર્ષો ના લગ્નજીવન પછી પણ શ્રીમતીજી ના ઈશારા ઉપર દિલ ધડક્યું અને હાથ પગ ચાલ્યા। વાહ અમેરિકાની ધરતી પર અડયાને જ રોમાંચક  જીવન નો અનુભવ થયો એવું એક ક્ષણ માટે લાગ્યું પણ પછી વાસ્તવિકતાનું ભાન થયું। આ તો બેગ ઉતારવાની સૂચના હતી બહુ લાબું વિચારવાની જરૂર નથી.

લાંબી વાટ જોયા પછી હવાઈ જહાજ માંથી પગ બહાર પડ્યા। એક ઠંડી હવાનું લહેરખુ શરીરને સ્પર્શી ગયું। અરે ભાઈ. આ ઉનાળો છે કે શિયાળો? આટલી ઠંડી હશે તો તો લાવેલું એકપણ શર્ટ કામ માં નહીં આવે એવી ચિંતા થઈ. પણ એ તો તરતજ ભુલાઈ ગયું કારણ કે બેગ ઘસડતાં ટોળાની સાથે એક લાંબી લાઈનમાં જોડાવાનું હતું। હવા કેવી સ્વછ છે એવા વિચાર સાથે અમે એક લગભગ એંસી વર્ષના બા ની પાછળ જોડાયા. બાના ખભે મોટો થેલો, અંદરના સામાન થી ફટફટ થતી બે પૈડાં વાળી બેગ, ફુગ્ગો ફુલાવ્યો હોય એવી ભરેલી પર્સ, એ બધા સાથે બા હાંફતા હાંફતા ઊભા હતા. આ  ઉમ્મરે બા કેમ અહી આવતા હશે. દીકરા દીકરી ને મળવા બીજું શું? શ્રીમતીજી એ ફોડ પાડ્યો. 

ઇમિગ્રેશન ની લાઇન માં બા એ પાછું ફરી ને મારી સામે જોયું. "બેટા, મારો નંબર આવે ત્યારે મારી સાથે આવીશ. મને અંગ્રેજી  નથી ફાવતું." હું કઇ બોલું તે પહેલા શ્રીમતીજી એ મને હોમી દીધો. "હા હા બા તમે ચિંતા ના કરો. એ તમને મદદ કરશે." મને અંદર અંદર તો ચિંતા કે આ લોકોનું અંગ્રેજી તો મને પણ નહીં ફાવે પણ ખાલી માથું ધૂણાવ્યું. 

લાઇન માં નંબર આવ્યો એટલે હું બા ની પાછળ સરક્યો. ઓફિસરે હસતાં હસતાં બા નો સમાન જોઈને પૂછ્યું કે અહિયાં આખી જિંદગી રહેવાનો વિચાર છે કે ખાલી ફરવા આવ્યા છો? બા એ એમના કાગળો નો ઢગલો આપી દીધો. ઓફિસરે પૂછ્યું "બીજું કાઇ છે?" બા ઉવાચ , "ના, ખાલી આ બોમ ની ડબ્બી સે ."  બા છાતી ઉપર હાથ મૂક્યો. હું  અને ઓફિસર બે ય ચમક્યા. " શું કહો છો?" પણ પછી હું સમજ્યો કે બા એ અમૃતાંજન ની ડબ્બી એમના કબજામાં મૂકી છે તેમ કહે છે. ધીરે રહીને ઓફિસર ને સમજાવ્યું અને બા ને ડબ્બી બતાવવા કહ્યું એટલે બા એ કબજામાંથી ડબ્બી કાઢી ને બતાવી.  છેવટે એ કેટલું સમજ્યો અને કેટલું કંટાળ્યો તે તો એ જાણે  પણ એણે અમને જવા દીધા. 

થાકેલા પાકેલાં જ્યારે લાઇનમાં ઉભેલા  એટલે જ્યારે અમારો વારો આવ્યો ત્યારે જાણે દિવસોથી અહિયાં ઊભા હોઈએ તેવું લાગ્યું. એક વિચાર આવ્યો કે અહિયાં કોઈ પણ માણસ કોઇની ઓળખાણ કાઢીને આ કતાર વટાવીને આગળ નીકળી નહોતું જતું. "ફરવા આવ્યા છો કે રહવા? કેટલા દિવસ રહેવાના છો? કયા રહેશો? " પ્રશ્નો ની વણજાર પછી અમારા કાગળો પર મહોર મારી અને કહ્યું "અમારા દેશમાં તમને આવકાર છે."  

હવે વારો આવ્યો અમારી બેગો તપાસવાનો. એક યુનિફોર્મ માં સજ્જ  ખાસ્સા મોટા બેન મોટો કૂતરો લઈને ફરતા હતા. અમે જેવી અમારી બેગો પટ્ટા ઉપરથી ઉતારી એવા અમારી બાજુ આવ્યા. કુતરા પાસે અમારી બેગો સૂંઘવી . કૂતરાની સાથે એમણે પદ નાક સંકોરયુ. પણ જવા દીધા. હવે વારો આવ્યો આખરી લાઇન નો. અમારી ફટફટ થતી બેગો એમના મશીનમાંથી જોઈ અને પૂછ્યું. "મસાલા લાવ્યા છો?" શ્રીમતીજી ને પૂછ્યું. "ના ના ખાસ કશું નથી" અડધું સત્ય એમણે  ઉચ્ચાર્યું. આમ તો અધિકારી સમજી ગયા હશે કે થોડા મસાલા વગર તો હજી સુધી કોઈ ગુજરાતી અમેરિકા માં આવ્યું નથી પણ અમને હસી ને આગળ જવા કહ્યું. કોઈ હેરાનગતિ વગર, સ્મિત સાથે જાણે અમને આવકાર્યા. 

અને અમે અમેરિકામાં પ્રવેશ્યા. 






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો